Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વેપારી દુબઇ જતાં ઘરઘાટી ૨૪ લાખ લઇને ફરાર થયો

મોટેરામાં રહેતા વેપારીના ઘરમાં ઘરઘાટીનો સપાટો : મામલામાં ચાંદખેડા પોલીસે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી : ઘરઘાટીને શોધવા માટે ચક્રો ગતિમાન

અમદાવાદ,તા. ૧૦ : શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરમાં કામ કરતા ઘરઘાટીએ જ રોકડા રૂ. ર૪ લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારના સભ્યો દુબઈ ટૂર પર ગયા હતા તે દરમ્યાનમાં બેડરૂમમાં બેડની અંદર રાખેલા રૂ. ર૪ લાખની તેણે ચોરી કરી હતી. બાદમાં વેપારીને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે આરોપી ઘરઘાટી સામે ચાંદખેડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી ઘરઘાટીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ઘરઘાટી ચોરી કર્યા બાદ  રાજસ્થાન જતો રહ્યો હોવાનું જણાતાં પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે. રાજસ્થાનથી પરત આવતાં તેની પૂછપરછ કરતાં તેણે આ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચાંદખેડા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપી ઘરઘાટીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મોટેરા વિસ્તારમાં ક્રિષ્ના બંગ્લોઝની બાજુમાં આવેલા સંગાની આદિત્ય હાઈટ્સ નામના ફ્લેટમાં નરેશભાઈ અરોરા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાત અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ હોટેલ ધરાવે છે. છેલ્લા છ માસથી તેમના ઘરે મૂળ રાજસ્થાનના કુંભલગઢના રહેવાસી કિશનલાલ ગામેતીને તેઓએ ઘરઘાટી તરીકે નોકરીએ રાખ્યો હતો. કિશનલાલ નરેશભાઈના ઘરે જ રહેતો હતો. ગત તા.૧ સપ્ટેમ્બરના રોજ નરેશભાઈને ધંધાના રૂ. ર૪ લાખ આવતાં તેમણે તેમનાં પત્ની વંદનાને આપ્યા હતા. તેઓએ આ રૂપિયા માસ્ટર બેડરૂમમાં બેડની અંદર થેલીમાં મૂક્યા હતા. બીજા દિવસે નરેશભાઈ તેમનાં પત્ની, પુત્ર અને પુત્રી સાથે દુબઇ ફરવા માટે ગયા હતા. ઘરે નરેશભાઈના માતા-પિતા અને કિશનલાલ જ હાજર હતા. તા.પ સપ્ટેમ્બરના રોજ તેઓ દુબઈથી પરત ફર્યા હતા. બાકીના દિવસો દરમ્યાન નરેશભાઈ ધંધાના કામ અર્થે ફ્રાન્સ ગયા હતા.

તા.૧ ઓક્ટોબરના રોજ તેઓ પરત આવતા બીજા દિવસે વંદનાબહેને નરેશભાઈને જણાવ્યું હતું કે માસ્ટર બેડરૂમમાં બેડની અંદર થેલીમાં મુકેલ રોકડા રૂ. ર૪ લાખ જણાતા નથી. આ બાબતે નરેશભાઈએ તેમના પિતાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તમે દુબઇ ગયા હતા ત્યારે કિશન બેડરૂમમાં આવતો- જતો હતો. જો કે કિશન આગલી રાતે જ તેના વતન રાજસ્થાન જતો રહ્યો હતો. કિશને પૈસાની ચોરી કરી હોવાની શંકાને લઈને નરેશભાઈએ તેને ફોન કરી જણાવ્યું હતું કે મારી તબિયત ખરાબ છે, તું પરત અમદાવાદ આવીજા. તા.૫મી ઓકટોબરના રોજ કિશન અમદાવાદ પરત આવ્યો હતો, નરેશભાઇ બહારગામથી અમદાવાદ ઘેર પરત આવતાં તેમની પત્ની વંદનાબહેન જણાવ્યું હતું કે, કિશનને પૈસા બાબતે પૂછતાં તેણે આ રૂપિયા લીધા નથી તેમ કહે છે. જેથી ગઇકાલે કિશનને વિશ્વાસમાં લઇને નરેશભાઇએ પૂછપરછ કરતાં તેણે જ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે વેપારી નરેશભાઇએ ચાંદખેડા પોલીસમથકમાં આરોપી ઘરઘાટી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(7:34 pm IST)