Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વાપીના સરીગામમાં વેરો નહીં ભરાતા પંચાયતને નોટિસ ફટકારાઇ

 

વાપી:સરીગામ ગ્રામ પંચાયત હદમાં આવેલી પેપરમિલના સંચાલકો વર્ષોથી કરોડો રૂપિયાનો ટેક્ષ નહીં ચુકવાતા પંચાયતે આખરી નોટિસ આપી વેરો ભરવા તાકિદ કરી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી બાકી નીકળતી વેરાની રકમ રૂા.૩.૨૫ કરોડને આંબી જતાં પંચાયતે અગાઉ પણ ત્રણ વખત નોટિસ આપી હતી. પેપરમિલ આ નોટીસને ગંભીરતાથી નહીં લે તો હવે કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. 

સરીગામ ગ્રામ પંચાયત હદમાં આવેલા ખાતા નંબર ૯૩૦ અને ૧૩૩૩ની મળી એન.આર.અગ્રવાલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની ૨૭૩૬૯૩ ચો.મી. જગ્યા આવેલી છે. જમીનની કિંમત, ક્ષેત્રફળ, બાંધકામનો પ્રકાર અને બાંધકામ ઉપયોગને ધ્યાને લેતાં કંપનીએ રૂા.૭૪.૫૦ કરોડનો દસ્તાવેજ કર્યો હતો. જે મુજબ અડધા ટકાના દરે વાર્ષિક રૂા.૩૭.૨૫ લાખ ગ્રામ પંચાયતને વેરો ચુકવવાનો થાય છે. જે અંગે ગ્રામ પંચાયતે વેરાની ભરપાઈ કરવા અંગે વર્ષ-૨૦૧૪, ૨૦૧૬ તેમજ ૨૦૧૮ મળી કુલ ત્રણ નોટિસો આપી હતી. આ ઉપરાંત સ્થાનિક ભંડોળ હિસાબના સહાયક નિરીક્ષકે પણ હાથ ધરાયેલા ઓડિટમાં કંપની પાસેથી વેરા વસુલાત કરવા સુચન કરેલું હતું.

(5:09 pm IST)