Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નડિયાદના કણજરીમાં પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 2.02 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ: તાલુકાના કણજરી તાબેના લક્ષ્મીપુરામાં નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની બોટલ નં. ૬૧૨ રૂા. ૨,૦૨,૮૦૦ તથા બે વાહનો તેમજ બે મોબાઈલ મળી કુલ રૂા. ૩,૪૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
ચકલાસી પોલીસ ગઈકાલે રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે કણજરીના લક્ષ્મીપુરામાં રહેતો સંજયભાઈ ઉર્ફે બાટલી ચીમનભાઈ પરમાર ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનું કટીંગ કરે છે. જેથી પોલીસે રેઈડ કરતા ઓરડી ઉપરથી સંજયભાઈ ઉર્ફે બાટલી ચીમનભાઈ પરમાર, જીતુભાઈ રાજુભાઈ બચુભાઈ તળપદા (રે. મરીડા, મોતીપુરા રોડ ખેતરમાં) તથા સંજયકુમાર રાવજીભાઈ પટેલ (રે. આણંદ, વિદ્યાનગર રોડ શ્રીજી સોસાયટી) ઓ વિદેશી દારૂની બોટલો નં. ૬૧૨, રૂા. ૨,૦૨,૮૦૦ સાથે મળી આવ્યા હતા. પોલીસે તેમની અંગ જડતીમાં રોકડા રૂા. ૪૮૦૦૦, મોબાઈલ ફોન ૨ તેમજ સ્થળ પરથી મોટર સાયકલ નં. જીજે ૦૭ બીએલ ૨૦૧૪ તથા એક્ટિવા નં. જીજે ૨૩ બીજી ૬૨૫૨ તેમજ વિદેશી દારૂ મળી કુલ રૂા. ૩,૪૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

(5:01 pm IST)