Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સોશ્યલ મીડીયા પર ભડકાઉ લખાણ મોકલતા તત્વોને ઓળખી કાઢવા ફેસબુકની મદદ મંગાઇ

૧પ૭ શખ્સોને સાયબર સેલે ઓળખી કાઢયા બાદ વધુ ૧૦ શખ્સોની ઓળખ મળી : અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ પરપ્રાંતીયો સાથે પોતીકાપણું દર્શાવ્યું

રાજકોટ, તા., ૧૦: સાબરકાંઠાના નાનકડા ગામમાં પરપ્રાંતીય શખ્સ દ્વારા નાની બાળકી પર દુષ્કર્મ કરવાની ઘટનાનો પડઘો રાજયભરમાં પરપ્રાંતીયો ઉપર વ્યાપક રીતે પડતા અને સમગ્ર દેશમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા રાજય સરકારે આ સમગ્ર મામલો હલ કરવા તથા આ મામલાને ખોટી રીતે હવા આપવાનો પ્રયાસ કરતા ૧પ૭ જેટલા શખ્સોને પકડી પાડવા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફેસબુકના સીઇઓને વિશાળ હિતમાં આવા ડાભુરીયા તત્વોને ઓળખી શકાય તે માટે ફેસબુકની મદદ માંગ્યાનુ સુત્રો જણાવે છે.

અમદાવાદની સાયબર ક્રાઇમ દ્વારા સોશ્યલ મીડીયા પર ઝેર ઓકતા થઇ રહેલા નિવેદનો પર નિયંત્રણ મુકવા અને આવા શખ્સોને ઓળખી કાઢવાની કવાયતમાં વધુ  ૧૦ જેટલા શખ્સોને ઓળખી કાઢવામાં આવ્યા છે.

અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોક યાદવ દ્વારા અર્ધ લશ્કરી દળો સાથેની ફલેગ માર્ચ કરી તોફાનીઓની હામ ભાંગી અને નિર્દોષ પરપ્રાંતીયોને હિંમત પ્રેરવાના ભાગરૂપે એક ઓડીયો  સોશ્યલ મીડીયામાં  વહેતો કર્યો છે અને તોફાનીઓને અમદાવાદ અને ગુજરાત હંમેશા શાંત હતું અને શાંત રહેશે તેવા મેસેજ આપ્યા છે. વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા  ફલેગ માર્ચ યોજવા સાથે પરપ્રાંતીયોને હિંમત મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

રાજયના તંત્ર દ્વારા ચાલતી આ કવાયતમાં આઇપીએસ અધિકારીઓ માફક આઇએએસ અધિકારીઓ કે જે બહારના વતની છે. તેઓને મેદાને ઉતારી પોતીકાપણું લાગે તેવા પ્રયાસમાં અમદાવાદના કલેકટર વિક્રાંત પાન્ડેએ અમદાવાદ રેલ્વે સ્ટેશને પહોંચી  પરપ્રાંતીયોના હાલ-હવાલ પુછયા હતા. તેઓએ સાંત્વના આપી તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.

પરપ્રાંતીયો સાથેની વાતચીત દરમિયાન ઘણા પરપ્રાંતીયોએએ પોતે ડરના માર્યા નહિ પરંતુ પારીવારીક કારણોસર વતન જતા હોવાનું ભાર પુર્વક જણાવેલ. કલેકટર વિક્રાંત પાંન્ડેએ આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિવિધ ગામો કે જયાં પરપ્રાંતીયો વસે છે તેમની સાથે પણ મુલાકાત કરી તેમને હિંમત આપી હતી. પરપ્રાંતીયોમાં આ પગલાને આવકારવામાં આવેલ.

(3:41 pm IST)