Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદથી યુએસ જતાં લોકો માટે માઠા સમાચાર : સીધી ફલાઇટ થશે બંધ

આ ફલાઇટમાં ૨૩૮ ઇકોનોમિક અને ૧૮ બિઝનેસ કલાસના મુસાફરો મળીને કુલ ૨૫૬ મુસાફરો અમદાવાદથી લંડન કે નેવાર્ક જતા હતા

અમદાવાદ : અમદાવાદથી અમેરિકામાં જતી એર ઇન્ડિયાની ફલાઇટ સેવા આગામી ૧૬મી નવેમ્બરથી બંધ થશે. મતલબ કે હવે અમદાવાદથી સીધા યુએસ જતાં લોકોએ બીજી ફલાઇટ પકડવી પડશે. હાલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફલાઇટ સીધી લંડન અને ત્યાર બાદ લંડનથી નેવાર્ક સુધી કાર્યરત છે.

એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે હવે આ ફલાઇટ અમદાવાદથી લંડન સુધી જ જશે. ત્યાંથી આ ફલાઇટ પરત આવી જશે. એર ઇન્ડિયાએ લંડનથી નેવાર્કની પોતાની સેવા બંધ કરી છે. મતલબ કે હવે ગુજરાતમાંથી એર ઇન્ડિયાની ફલાઇટમાં નેવાર્ક જતાં લોકોએ બીજી ફલાઇટ પકડવી પડશે.

નોંધનીય છે કે ગુજરાતના પ્રવાસીઓને સીધી યુકે અને યુએસની વિમાની સેવા મળી રહે તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬માં સ્વંતત્રતા દિવસે અમદાવાદ-લંડન-નેવાર્ક સીધી ફલાઇટ સેવાની જાહેરાત કરી હતી. પરંતુ બે જ વર્ષમાં આ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ એર ઇન્ડિયાની ફલાઇટ અમદાવાદથી લંડન સુધી જ ઓપરેટ થશે. લંડનથી આ ફલાઇટ બેંગલુરુ પરત આવશે. નવેમ્બરમાં એર ઇન્ડિયા બેંગલુરુથી અમદાવાદની નવી ફલાઇટ શરૂ કરશે.

એક અંદાજ પ્રમાણે અમદાવાદમાંથી ૧૦૦ની આસપાસ મુસાફરો આ ફલાઇટની સેવા લેતા હતા. આ ફલાઇટમાં ૨૩૮ ઇકોનોમિક અને ૧૮ બિઝનેસ કલાસના મુસાફરો મળીને કુલ ૨૫૬ મુસાફરો અમદાવાદથી લંડન કે નેવાર્ક જતાં હતા.

(11:54 am IST)