Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પરપ્રાંતિયોને પરત લાવવાના પ્રયાસો તેજ : પોલીસ સક્રિય

અમદાવાદમાંથી ૧૦-૧૫ ટકા પરપ્રાંતિયોની હિજરતઃ સાણંદ, બાવળા, ચાંગોદર જીઆઇડીસી ખાતે મોટા ભાગે પરપ્રાંતિયો મજૂરીકામ કરતા હોવાથી પોલીસ ટુકડી સક્રિય

અમદાવાદ, તા.૯: સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા આચરાયેલા દુષ્કર્મ બાદ પરપ્રાંતીય પર હુમલાના બનાવો બની રહ્યા છે, જેના પગલે રાજ્યભરમાંથી પરપ્રાંતીયો હિજરત કરી વતન પરત ફરી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાંથી પરપ્રાંતીયોને તેમના વતન જતાં રોકવા અને પરત બોલાવવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને ચાંગોદર જીઆઇડીસીમાં મોટા ભાગે પરપ્રાંતીયો મજૂરીકામ કરે છે. માત્ર ૧૦ થી ૧પ ટકા પરપ્રાંતીયોએ હિજરત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલમાં ધંધા-રોજગાર સામાન્ય થઇ ગયા છે અને જે યુવકો વતન પરત ફર્યા છે તેને પરત લાવવા માટેની તજવીજ શરૂ કરાઇ છે. અમદાવાદ જિલ્લામાં અનેક જીઆઇડીસી આવેલી છે, જેમાં મોટા ભાગના પરપ્રાંતીયો મજૂરીકામ કરે છે. પરપ્રાંતીયો પરના હુમલાના પગલે ડરના માર્યા કેટલાક પરપ્રાંતીયોએ નોકરી પર આવવાનું બંધ કર્યું હતું અને પોતાના વતન અથવા તો સગાંસંબંધીના ઘેર આશરો લીધો હતો. જિલ્લામાં વીરમગામ, સરોડા અને બગોદરા-ધંધૂકા હાઇવે પર આવેલ કંપનીમાં તોડફોડને બાદ કરતાં કોઇ ગંભીર ઘટના બની ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્રણ બનાવના સંદર્ભે કુલ ૩૬ આરોપીની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓ જેલમાં છે. બનાવના સંદર્ભે ૧૦ થી ૧પ ટકા પરપ્રાંતીયોએ હિજરત કરી હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય બનતાં જિલ્લામાં અન્ય કોઇ વ્યક્તિઓ હિજરત કરતી નથી. હવે કોઇ પણ પરપ્રાંતીય હિજરત ન કરે અને કામ પર પરત ફરે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કારખાનેદારો, ઇન્ડસ્ટ્રીઝના માલિકો અને લેબર કોન્ટ્રાકટરો સાથે સતત મિટિંગ કરાઇ રહી છે. હાલમાં જ્યાં પરપ્રાંતીયોની વસાહત અને કંપનીઓમાં પાંચ એસઆરપીની ટુકડીઓ ગોઠવાઇ છે. જિલ્લા પોલીસવડા આર.વી. અસારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાના કારણે જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતીયો પર અસર થઇ હતી. પોલીસ દ્વારા ગામના આગેવાનો અને કારખાના માલિકો સાથે મિટિંગો યોજવામાં આવી રહી છે. હાલમાં જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. હિજરત કરી ગયેલા પરપ્રાંતીયોને અહીં પાછા લાવવાના પ્રયાસો તેજ અને અસરકારક બનાવાયા છે.

(10:17 pm IST)