Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અંબાજી મેળો : ઉત્તર ગુજરાત ભક્તિરસમાં તરબોળ બન્યુ છે

અંબાજી મેળો મિની મહાકુંભમાં ફેરવાયો : શ્રદ્ધાળુઓની સેવા અને સુવિધા માટે જિલ્લા તંત્ર ખડેપગે

પાલનપુર, તા. ૧૦ : અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રીકો દિવસ રાત જય અંબેના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતાં તમામ રસ્તાઓ પદયાત્રીકોથી ભરચક બન્યા છે. અરવલ્લીની ગીરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી મહામેળાથી લાખો માઇ ભક્તિ નવી ઉર્જા મેળવી રહ્યા છે. ઘણા યાત્રીઓ ભાવવિભોર બની જતાં ભક્તિભાવમાં ડુબી ગયા છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પર ધજા ચઢાવવાનો અવિરત પ્રહાવ જોવા મળી રહ્યો છે. પદયાત્રીઓના જોમ જુસ્સા અને ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જોવા મળી રહી છે.

       આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-હિંમતનગર રાજમાર્ગ ઉપર ઉદય ફાર્મમાં શ્રદ્ધાળુઓ માટે આરામ,ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાની શરૂઆત થયા બાદ હવે ૧૪મી સપ્ટેમ્બર સુધી અંબાજી મહામેળો ચાલનાર છે. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેળાની શરૂઆત કરાવી હતી. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે.

આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(9:34 pm IST)