Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમદાવાદ ગાંધી જયંતિ પ્લાસ્ટીક મુકત બનશેઃ કોર્પોરેશન કમિશ્નર વિજય નહેરાની જાહેરાત

અમદાવાદ તા.૧૦:  મહાનગર પાલિકા ૨ ઓકટોબર સુધીમાં શહેરને સીંગલ યુઝ પ્લાસ્ટિકથી મુકત કરવા તૈયારી કરી લીધી છે. જેનાથી શહેરના મોટા ભાગના વ્યાપારીઓ અને દુકાનદાર પરેશાન છે. આ વ્યપારીઓએ જીસીસીઆઇમા માધ્યમથી મ્યુનીસીપલ કમીશનરને પત્ર લખ્યો પણ મ્યુનીસીપલ કમીશનર કોઇ એકટેન્શન આપવાના મુડમાં નથી.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિકની સામે લાલ આંખ કરતાં શહેરમાં હોટલ,રેસ્ટોરન્ટ ફરસાણ મીઠાઇ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો જેને લઇને આ વેપારીઓએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સંપર્ક કર્યો જીસીસીઆઇએ વેપારીઓની દાદ સાંભળી અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમીશનરને પત્ર લખી કેટલાક ખુલાસા માંગ્યા અને કેટલાક માંગણીઓ પણ કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં ૨૦ હજારથી વધારે લોકો ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે અંદાજે ૮ લાખ લોકોને રોજગારી આપે છે માટે તાત્કાલીક ધોરણે પ્લાસ્ટીકના ઉપયોગ અંગે ગાઇડલાઇન બહાર પાડવી જોઇએ. મ્યુનિસિપલ કમીશનર વિજય નહેરાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં હોટલ રેસ્ટોરન્ટ ફેરીયા અને પ્લાસ્ટીકની થેલીઓ બનાવનારા લોકો સાથે અનેક વર્કશોપ અને સેમીનાર કરવામાં આવ્યા છે.

૨ ઓકટોબરથી અમદાવાદને સીંગલ યુઝ પ્લાસ્ટીકથી મુકત કરવાનું છે. નાગરીકો તેમાં સહયોગ આપી રહ્યા છે ત્યારે વેપારીઓએ તેમના આયોજનમાં યોગ્ય ફેરફાર કરવાજ પડશે. અહી એકસટેન્શન આપવાનો પશ્નજ ઉભો થતો નથી. જીસીસીઆઇને પત્રમાં પ્લાસ્ટીકના ઉપયોગની ગાઇડલાઇનની માંગ સાથે કોર્પોરેશનના અધિકારીઓને પ્લાસ્ટીકના નિયમોની જાણ ન હોવાથી યોગ્ય માઇક્રોનના પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા હોવા છતાં દંડની રકમની વસુલાત કરતા હોવાની રજુઆત કરવામાં આવી છે. જોવાનુ એ છે કે મ્યુનિસિપલ કમીશનર તેનો કેવો ઉકેલ લાવે છે.

(5:39 pm IST)