Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વાહન ચાલકો પાસેથી પોલીસ 'ઇ-ચલન'થી દંડ સ્વીકારશે : તમામ કેસનો રેકોર્ડ રહેશે

હાથની લખેલી પહોંચના બદલે મળશે બસની ટિકીટ સ્વરૂપની પાવતી

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાત સરકાર દ્વારા નવા ટ્રાફીક નિયમોના દંડ અંગેની જાહેરાત આજે બપોર બાદ થનાર છે. કેન્દ્ર સરકારે ટ્રાફીક નિયમના ભંગ બદલ આકરા દંડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરી દંડમાં રાહત આપવા માગે છે પરંતુ લોકોને ટ્રાફીક નિયમોનું પાલન કરાવવામાં કોઈ બાંધછોડ કરવાનો સરકારનો ઈરાદો નથી. ટ્રાફીકની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવનાર છે. પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સ્થળ પર વસુલાતા દંડની (માંડવાળ ફી) પદ્ધતિમાં ફેરફાર કરીને સરકાર ઈ-ચલન આધારીત કરવા માગે છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે કોઈ વાહન ચાલકને ટ્રાફીક પોલીસ કે આર.ટી.ઓ.ના અધિકારીઓ રોકે ત્યારે સ્થળ પર રોકડ દંડ વસુલી તેની લેખીત પહોંચ આપવાની વ્યવસ્થા છે. સરકાર હવે પછી સ્થળ પરના લગભગ દંડ ઈ-ચલન પદ્ધતિથી સ્વીકારવા માગે છે. ટ્રાફીક પોલીસને ઈ-ચલન મશીન આપી દેવામાં આવશે. એસ.ટી. બસમાં જે રીતે ટીકીટ મળે છે તે સ્વરૂપની દંડની રકમની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ મળશે. તબક્કાવાર આ પદ્ધતિનો વ્યાપ વધારાશે. ઈ-ચલનની પહોંચની સાથે વાહન ચાલકના ગુન્હાનો રેકોર્ડ આપોઆપ તૈયાર થતો જાય તેવા સોફટવેરનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારે સ્થળ પર વસુલાતા દંડમાં કયા વાહન ચાલકે કેટલી વખત નિયમ ભંગ કર્યો ? તેનો કોમ્પ્યુટરાઈઝડ રેકોર્ડ રહેતો નથી. નવી પદ્ધતિથી આ રેકોર્ડ તૈયાર થઈ જશે. વારંવાર ટ્રાફીકના નિયમોનો ભંગ કરવા ટેવાયેલા વાહન ચાલકોની માહિતી પોલીસ અને સરકારને આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકશે.

(3:45 pm IST)