Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પાટણના રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી ટુંક સમયમાં યોજવા ચક્રો ગતીમાન

પાટણ તા. ૧૦ : રાધનપુર વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર ચૂંટાયા હતા તે પક્ષ પલ્ટો કરી ભાજપમાં જતા આ બેઠક ખાલી પડી છે. ફરી વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. ત્યારે ફરી અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચુંટણી રાધનપુરમાંથી ભાજપના ઉમેદવાર તરીકે લડવાના હોય તે રીતે લોકસંપર્ક ઠાકોર સંમેલન અને મોટા હોડીંગ્સ બોર્ડ લગાવ્યા છે. આ બેઠક ઉપર વધુમાં વધુ મતદારો ઠાકોર સમાજના જ છે. તો ઠાકોર સમાજમાં પણ બે ભાગ પડી ગયા છે. અલ્પેશ ઠાકોરને ફરી આ મત વિસ્તારમાંથી ન ચૂંટવા હાલ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા વીડીયો વાયરલ થઇ રહ્યો છે. અલ્પેશ સામે તેના સમાજમાંથી જ વિરોધનો શૂર નીકળી રહ્યો છે. ચુંટાયા પછી આ વિસ્તારના કોઇ કામો ન થયા હોવાની તેમજ પક્ષપલ્ટાનો જબરજસ્ત વિરોધનો શૂર ઉઠયો છે.

રાધનપુર, સાંતલપુર વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસના પણ ઘણા સીનીયર અને સંનિષ્ઠ આગેવાનો ચુંટણી લડવાનો દાવો કરી રહ્યા છે. જેમાં રાધનપુર, સાંતલપુરમાં જેનુ કાર્યક્ષેત્ર છ વર્ષથી જે ક્ષેત્ર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. અને પાટણ જીલ્લા પં.ના વિરોધપક્ષના નેતા ફરસુભાઇ ગોકલાણીએ પણ વીડીયો વાયરલ કરી રાધનપુર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે.

ભાજપના યોજાયેલ સંગઠનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરને ટીકીટ આપવાનો મીડીયા સમક્ષ દાવો કર્યો હતો.

ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિવાદથી ઉપર ઉઠી સંનિષ્ઠ સક્રિય અને સેવાભાવી વ્યકિતત્વ ધરાવતા ઉમેદવારને ટીકીટ ફાળવે તેવી જોરદાર માંગ ઉઠી છે. હાલ તો રાધનપુર, સાંતલપુર વિધાનસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસમાં અન્યોન્ય ધમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે એનસીપી અને અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટવાના સંકેતો જણાઇ રહ્યા છે.

(3:24 pm IST)