Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગુજરાતમાંથી ગૂમ થયેલ બાળકોનો પત્તો મેળવવા 'બેતાબ'ના મોબાઇલ લોકેશનની ચકાસણી

જાકુબીના ધંધાનો વારસો એને માતા તરફથી મળેલઃ આનંદી પણ બાળ તસ્કરીમાં નિષ્ણાંત હતી : બાળ તસ્કરોના આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થયેલી પુછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી

રાજકોટ, તા., ૧૦: ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બાળકોના અપહરણ થતા હોવાની શંકા આધારે કેટલાક શંકાસ્પદ શખ્સોની ઠેર-ઠેર ધોલાઇ થઇ રહી છે. તેવા  ટાંકણે જ બાળકોના અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવી કમાણી કરતી ટોળકીના સુત્રધાર એવા બેતાબ નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે લોનાવાલા ખાતેથી ઝડપી લઇ તેની પ્રાથમીક પૂછપરછ કરતા જ ચોંકાવનારી વાતો બહાર આવવા સાથે ગુજરાતભરમાં બાળકોની તસ્કરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ  થાય તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થઇ રહયાનું ટોચના સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના  કથન મુજબ રાજયભરમાંથી ગૂમ થયેલા બાળકોની વિગતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંગાવવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ પાસેથી પણ આવા ગૂમ થયેલા બાળકોની  વિગતો મેળવી બેતાબનું  જે તે સમયનું મોબાઇલ લોકેશન કયાં હતું? તે આધારે તેની પૂછપરછ કરી બાળકોનો પત્તો લગાડવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

બાળ તસ્કરીનો મુખ્ય સુત્રધાર બેતાબ આ ધંધાનો કોઇ નવો નિશાળીયો નહી પરંતુ તેને તેની માતા તરફથી વારસામાં જ આવી જાકુબીનો ધંધો મળ્યાનું પણ ખુલવા પામેલ છે. તેની માતા આનંદી પણ બાળકોની તસ્કરી કરવા માટે અપહરણો કરી માસુમ બાળકોનું વેચાણ કરી રૂપીયા રળતી આવા બાળકો પાસે ભીખ મંગાવવાનું પણ ધંધો મોટા પાયે ચલાવવામાં આવતો હતો.

બેતાબે જે રીતે અત્યાર સુધીમાં ૪ બાળકીઓના અપહરણ કરી તે પૈકી બે બાળકીઓને અનુક્રમે ૫૦ હજાર અને ર૦ હજારમાં વેચી હતી તે જ રીતે તેની માતાએ પણ આજ રીતે બાળકોને મોટી રકમ લઇ વેચેલ. એક તબક્કે તો પોલીસના હાથે આવેલ બાળકો પોતાના હોવાનો જ બેતાબની માતા દાવો કરેલ પરંતુ પોલીસે ડીએનએ ટેસ્ટ દ્વારા તે ખોટો સાબીત કરેલ.

(1:02 pm IST)