Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અનુપમસિંહ ગેહલોતે ડીસીપીને તપાસ સુપ્રત કરીઃ તથ્ય જણાયે કાર્યવાહી થશે

વડોદરાના અસલી પીઆઇના પુત્રએ નકલી પીઆઇ બની જુગારની રેઇડ કરી તોડ કર્યાના વાયરલ વિડીયોની ઘટનાની તપાસનો ધમધમાટ : પ્રાથમિક તપાસમાં પોલીસ અસલી જ હોવાનું ખુલ્યું? બાતમી આપી હોવાથી પોલીસ મિત્ર તરીકે આરોપીને સાથે રખાયેલ?

રાજકોટ, તા., ૧૦: વડોદરાની એક ઘટના અને તેનો વિડીયો ગુજરાતભરમાં ભારે વાયરલ બન્યો છે, આ વિડીયો વડોદરાના એક પોલીસ ઇન્સ્પેકટરના પુત્રનો છે. જેમની સામે એવો આરોપ છે કે તે નકલી પીઆઇ બની જુગારની રેઇડ કરવા માટે જઇ અંદાજે ર લાખ રૂપીયાનો તોડ કરી લીધો છે. વડોદરાના માંજલપુર વિસ્તારના પીઆઇ તરીકે ફરજ બજાવતા પીઆઇ ઝેડ.એમ.સિંઘાના પુત્રનો આવો વિડીયો વાયરલ થવાથી પિતા ખુબ વ્યથિત થયા છે અને આ કેસમાં તથ્ય ન હોવાનું જણાવે છે.

આમ તો આ ઘટના ૧પ દિવસ અગાઉની છે પોલીસ વિવિધ બંદોબસ્તમાં ગળાડુબ હોવાથી આ બાબતે કાર્યવાહીમાં થોડો વિલંબ થયેલો પરંતુ આ મામલાની ખરાઇ કરવા માટે જોઇન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર દરજજાના અધિકારીને તપાસ સુપ્રત કરીહોવાનું વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે અમારી પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે જુગારની રેઇડ પાડવા માટે ખરેખર પોલીસ જ ગઇ હતી. સંબંધકર્તા પોલીસ ઇન્સ્પેકટરનો પુત્ર કે જેણે આ રેઇડ અંગે મહત્વની ભુમીકા ભજવી હતી તેમને ડી સ્ટાફ પોલીસ મિત્ર તરીકે સાથે લઇ ગયાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આમ છતા આ બાબતે ખાતાકીય તપાસમાં કોઇ ગંભીર બાબત બહાર આવશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું.

(1:01 pm IST)