Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગુજરાતની ઐતિહાસિક બીનાઃ મહિલા ડ્રગ્સ ડીલરની સંપત્તિ જપ્ત

રાજયમાં દારૂ સાથે કેફી પદાર્થોની ઘુસણખોરી રોકવા સીઆઇડી વડા આશીષ ભાટીયાના સુચનથી કાર્યવાહીઃ ખળભળાટ : પંજાબ બનતું રોકવા અને ડ્રગ્સ માફીયાઓની હિંમત તોડવા માટેના ડીજીપીના અભિયાનને બળ મળ્યું

રાજકોટ, તા., ૧૦: ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નાર્કોટીકસ (ડ્રગ્સ) વેચનાર મહિલા ડ્રગ ડીલરની સંપત્તિ જપ્ત કરવાનો મહત્વનો નિર્ણય સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટીયાની સુચનાથી લેવાયો હોવાનું ટોચના સુત્રો જણાવે છે.

થોડો સમય અગાઉ ડ્રગ્સ વેચવાના આરોપસર અમીનાબાનુ ઉમરખાન સામે  બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સીઆઇડી ક્રાઇમને ધ્યાને એવી બાબત જાણવા મળેલ કે તેણીએ મહેસાણા પંથકના વિસનગરમાં મિલ્કત ખરીદી હતી. આ સમય ગાળા દરમિયાન તેણી સામે ડ્રગ્સના બે કેસ નોંધાયા હોવાથી તેણીની મિલ્કત જપ્ત કરવા માટે સેકસન-૬૮ (ઇ) (એફ) હેઠળ રાજય સરકારની મંજુરી માંગવામાં આવેલ. મંજુરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ મિલ્કત હવે કોઇના નામે થઇ શકશે નહી.

તેણીની મિલ્કત જે સ્થળે આવેલી છે તે  મિલ્કતના ભાવ આમ તો અન્ય મિલ્કતના પ્રમાણમાં ખુબ નીચા છે આમ છતા વિસનગરના સબરજીસ્ટ્રાર ઓફીસ પાસેથી સીઆઇડીએ જંત્રી મુજબના ભાવ મંગાવી તેની કિંમત નક્કી કરી હતી. સીઆઇડીના આવા પગલાને કારણે ડ્રગ્સ માફીયાઓમાં  જબરજસ્ત ધાક બેસી જશે.

અત્રે યાદ રહે કે ગુજરાતમાં ગેરકાયદેે રીતે પાડોશી રાજયોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઘુસી રહયો હોવાથી ડીજીપીએ આ માટે કડક કાર્યવાહી કરી સબંધકર્તા પોલીસ મથકના જવાબદારોને ઘેર બેસાડયા છે. પોલીસનું આ અભિયાન રંગ લાવે તે પહેલા ગુજરાતમાં મોટા પાયે કેફી  પદાર્થો ઘુસી રહયાનું ફલીત થતા ચોંકી ઉઠેલા રાજયના પોલીસ વડાએ આ બાબતે સખત કાર્યવાહી કરવાની કામગીરી રાજયભરની પોલીસ ઉપરાંત  પરીણામલક્ષી કામગીરી થાય તેવા હેતુથી સીઆઇડી વડા આશીષ ભાટીયાને પણ ખાસ મિશન સુપ્રત કરવામાં આવેલ.

(1:01 pm IST)