Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વરસાદે વિક્રમ સર્જયોઃ રાજ્યમાં ૧૧૩.૫૫ ટકાઃ તમામ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ

ગુજરાત પર મેઘરાજા ઓળઘોળઃ કચ્છમાં ૧૪૨.૧૮ અને સૌરાષ્ટ્રમાં ૧૧૨.૫૨ ટકા વરસાદ: સરેરાશ ૩૯ ઈંચઃ ૬૫ તાલુકાઓમાં ૪૧ ઈંચથી વધુઃ ૫૧ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઈંચઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૬૦ ઈંચ વિસાવદરમાં: આખા ઓગષ્ટમાં સરેરાશ ૧૮ ઈંચ અને સપ્ટેમ્બરના પ્રથમ ૯ દિ'માં સરેરાશ ૬ ઈંચ વરસાદ

રાજકોટ, તા. ૧૦ :. ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ બરાબર મહેર કરી છે. ૨૦૧૮ના ચોમાસામાં સરેરાશ ૭૬ ટકા વરસાદ થયેલ. આ વખતે રાજ્યમાં આજે સવાર સુધીમાં ૧૧૩.૫૫ ટકા વરસાદ થઈ થતા વર્ષોનો વિક્રમ તૂટી ગયો છે. આ વખતનો વરસાદ લગભગ તમામ વિસ્તારમાં પડયો છે. સમતોલ વરસાદ એ આ વખતના ચોમાસાની વિશેષતા છે. વરસાદને કારણે ખેતીને પુષ્કળ ફાયદો થયો છે ઉપરાંત પીવાના પાણીનો પ્રશ્ન લગભગ તમામ વિસ્તારમાં આવતા આખા વર્ષ માટે હલ થઈ ગયો છે. નર્મદાની જળસપાટી ૧૩૬ મીટરને પાર કરી અંતિમ સપાટી ૧૩૮ મીટર તરફ આગળ વધી રહી છે. નર્મદામાં ગુજરાતને બે વર્ષ ચાલે તેટલા પાણીનો જથ્થો આવી ગયો છે. સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ ૩૯ ટકા જેવો થયો છે.

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પાણીની ખેંચ માટે જાણીતા કચ્છ જિલ્લામાં થયો છે. ગયા વર્ષે આખો જિલ્લો અછતગ્રસ્ત હતો. આ વખતે જિલ્લામાં ૧૪૨.૧૮ ટકા વરસાદ થયો છે. બીજા ક્રમે ૧૨૩.૨૨ ટકા સાથે દક્ષિણ ગુજરાત આવે છે. સૌરાષ્ટ્રમાં ૧૧૨.૫૨ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૦૪.૨૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૯૦.૪૨ ટકા વરસાદ થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૪૩ ઈંચ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં ૬૦ ઈંચ થયો છે. ૫૭ ઈંચ જેટલા વરસાદ સાથે રાજકોટ પણ મોખરે છે. ૨૫૧ પૈકી ૬૫ તાલુકાઓમાં ૪૧ ઈંચથી વધુ વરસાદ થયો છે. ૫૧ તાલુકાઓમાં ૨૦ થી ૪૦ ઈંચ વરસાદ છે. તમામ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ હોવાથી એક પણ તાલુકો દુષ્કાળગ્રસ્ત કે અછતગ્રસ્તની વ્યાખ્યામાં આવવા પાત્ર રહ્યો નથી.ગુજરાતમાં ચાલુ વર્ષના જૂનમાં સરેરાશ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડેલ. જુલાઈમાં સરેરાશ ૯ ઈંચ વરસાદ થયેલ. ઓગષ્ટમાં ૧૮ ઈંચ વરસાદ પડેલ. સપ્ટેમ્બરના પ્રથમ ૯ દિવસમાં સરેરાશ ૬ ઈંચ વરસાદ પડી ગયો છે. હજુ વરસાદી માહોલ અને વધુ વરસાદની આગાહી છે. હવામાન શાસ્ત્રીઓ સપ્ટેમ્બર અંત સુધી ચોમાસાનો સમય ગણે છે.(૨-૪)

વરસાદમાં કાગળની હોડી

વરસાદમાં કાગળની હોડી તરતી મૂકવાનું સુખ બધાના ભાગ્યમાં હોતુ નથી પણ તણાઈ રહેલા સપનાઓને બારીમાંથી જોવાનું દુઃખ ઘણાના લમણે લખાયેલુ હોય છે !

ગુજરાતમાં કયાં

કેટલો વરસાદ ?

ઝોન

ટકા

કચ્છ

૧૪૨.૧૮

સૌરાષ્ટ્ર

૧૧૨.૫૨

ઉત્તર ગુજરાત

૦૯૦.૪૨

દક્ષિણ ગુજરાત

૧૨૩.૨૨

મધ્ય ગુજરાત

૧૦૪.૨૮

(11:29 am IST)