Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ગુજરાતમાં મેઘરાજાની કૃપા અવિરત...છેલ્લા ર૪ કલાકમાં

સુરતના ઉમરપાડામાં અનરાધાર ૧૬ ઇંચથી જળબંબાકાર

ડેડીયાપાડા-સાગબારા અને બારડોલીમાં ૬ : ડાંગ પંથકમાં નદીઓ બેકાંઠે...કેટલાક કોઝવે પાણીમાં ગરક : નર્મદા નદીમાંથી પાણી છોડતા અંકલેશ્વર-ભરૂચના નિચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા મધુવન ડેમના ૭ દરવાજા ખોલાયા વધુ બે દિવસ ભારે વરસાદની આગાહી

વાપી, તા., ૧૦: ભાદરવા માસમાં મેઘરાજા અષાઢી મુડમાં જણાય છે. રાજયના અનેક વિસ્તારોમાં સટાસટી બોલાવતા ૦II થી લઇ ૧૪ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત, ઉ.ગુજરાત સહીતના  વિસ્તારોમાં મેઘરાજા હજુ પણ મન મુકીને વરસી રહયા છે ભારે વરસાદને પગલે નદી નાળાઓ અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે.

સરદાર સરોવર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા ફરી પાછુ એક વાર નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને જેની સીધી અસર ભરૂચ પંથકના ગોલ્ડન બ્રીજને થઇ રહી છે. અંકલેશ્વર પંથકના કાંઠાના ર૦ જેટલા ગામોને સાવધ રહેવા તાકીદ કરાઇ છે.

મેઘરાજા દ.ગુજરાતમાં વલસાડ-નવસારી-ડાંગ તથા સુરત જીલ્લામાં અનરાધાર હેત વરસાવતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. સુરત જીલ્લાના ઉમરપાડા પંથકમાં ગણતરીના કલાકોમાં ૧૬ ઇંચ જેટલો અતિભારે વરસાદ  ખાબકતા જળબંબાકાર સ્થિતિ સર્જાયેલ છે.

તો બીજી બાજુ ડાંગ જીલ્લામાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ રમણે ચઢી છે. કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત નવસારી જીલ્લામાં પણ પડેલા ધોધમાર વરસાદને પગલે ઓરંગા, તાન અને માન નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ અંબીકા, કાવેરી તથા પનિહારી સહીતની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.

 આ ઉપરાંત દ.ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સ્થિતિ પણ કાંઇક આવી જ છે. ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૯.૬૦ ફુટે પહોંચી છે એટલે કે આ ડેમની જળસપાટી ભયજનક સપાટીને આડે હવે માત્ર ફુટ જેટલું જ અંતર બાકી છે.

જયારે દ.ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન ડેમના ૭ દરવાજા પણ ખોલવાની વહીવટી તંત્રને ફરજ પડી છે. એક બાજુ ઉપરવાસનો ભારે વરસાદ તો બીજી બાજુ અહી પડી રહેલા ભારે વરસાદને પગલે હાલ લેવલ સપાટી જાળવા રાખવા વહીવટી તંત્રએ અહીથી પાણી છોડવાનું શરૂ કર્યુ છે.

આ સ્થિતિમાં હજુ આગામી ૪૮ કલાકમાં દ.ગુજરાત સહીત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર સતર્ક બન્યું છે એટલું જ નહી ડેમો અને જળાશયોની જળસપાટી પર ચાંપતી નજર રાખી બેઠું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદ સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ અને હાસોટ ૧૦-૧૦ મી.મી. અંકલેશ્વર ૪૬ મી.મી. ભરૂચ ૩પ મી.મી. જંબુસર ર૩ મી.મી. ઝઘડીયા ૩ર મી.મી. વાલીયા ર૦ મી.મી. અને નેત્રોગ ૯પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

(11:28 am IST)