Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વિરુદ્ધ પ્રદેશ મહામંત્રી સહિત સભ્યોની અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ

કુલ 29 માંથી 14 કોંગી સભ્યોએ પ્રસ્તાવ મુક્યો : મહિલા પ્રમુખ સહિતના સત્તાધીશોમા દોડધામ

 

કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં ખળભળાટ મચી ગયો છે. અઢી વર્ષની ટર્મ માટે આવેલા મહિલા પ્રમુખ પ્રદેશ કોંગ્રેસના ઝઘડામાં ભેખડે ભરાયા હોવાનું ચર્ચાઈ છે કોંગી સભ્યો સવા વર્ષના અંતે કમિટી બદલવા તલપાપડ છે. જેની સામે કોઇ નિર્ણય નહિ લેવાતા સત્તા પલટો કરવા દાવ ખેલાયો છે. આવી સ્થિતિમાં મહિલા પ્રમુખ સહિતના સત્તાધીશોમા દોડધામ મચી ગઈ છે.

    સાબરકાંઠા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રતનબેન સુતરિયા સામે કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે. કુલ 29 માંથી 14 કોંગી સભ્યોએ ભાજપના 7 સભ્યોને સાથે લઈ સત્તા પરિવર્તન કરવા મન બનાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગી સભ્યો કમિટીઓમા ફેરફાર કરી નવીન રચના કરવા મથી રહ્યા છે.

   જેમાં કેટલાક કોંગી સભ્યોએ મહિલા પ્રમુખ સહિતના આગેવાનોને કહેતાં પ્રદેશ કોંગ્રેસને મળવાની નોબત બની હતી. આથી સત્તા માટે તલપાપડ સભ્યો પ્રદેશ કોંગ્રેસને મળવા પહોંચ્યા છતાં કમિટીઓને બાબતે નિર્ણય લેવાયો નથી. આથી નારાજગી સાથે મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ આપી સત્તા પલટો કરવા રાજકીય મથામણ આદરી છે.

   કોંગ્રેસ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપનાર 14 કોંગી સભ્યોમાં રાજેન્દ્ર કુંપાવતનો પણ સમાવેશ થાય છે. કુંપાવત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી છતાં સત્તા પલટો કરવાની ગતિવિધિમા જોડાતા જિલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

(11:03 pm IST)