Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગુરૂકુળ રોડ પરની મોબાઇલ શોપમાંથી મોબાઇલ ચોરાયા

બનાવને પગલે અન્ય દુકાનદારોમાં ફફડાટ : ૧૩ લાખની કિંમતના મોબાઇલો ચોરાઈ ગયા : લેપટોપ, ટેબ્લેટ સહિતનો માલ ચોરાયો : સીસીટીવી આધારે તપાસ

અમદાવાદ, તા.૧૦ : શહેરનાં ગુરુકુળ રોડ પર આવેલી એક મોબાઇલ શોપમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી રૂ.૧ર.૯૮ લાખના મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહિતની મતા ચોરી કરી હાથ સાફ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક દુકાનદારોમાં ઘટનાને લઇ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
બીજીબાજુ, ઘટનાની જાણ પોલીસને થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સેટેલાઇટના રામદેવનગર વિસ્તારમાં આવેલી બ્રિજગંગા રેસિડન્સીમાં શશાંક રોહડિયા પત્ની સાથે રહે છે. ગુરુકુળ રોડ પર આવેલા મેઘાંત કોમ્પ્લેકસમાં આર. ચાણક્ય એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવી સેમસંગ કંપનીના મોબાઇલ ફોન અને એસેસરિઝનો વ્યવસાય કરે છે. તેમની દુકાનમાં સેમસંગ કંપનીનાં એક મહિલા અને અન્ય એક યુવક કામ કરે છે. શનિવારે રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કરી તમામ કર્મચારીઓ ઘેર જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે મહિલા કર્મચારી દુકાને આવ્યાં ત્યારે દુકાનનું શટર ખુલ્લું જણાયું હતું. તેઓએ આ અંગે શશાંકભાઇને જાણ કરતા તેઓ તાત્કાલીક દુકાન પર પહોંચી ગયા હતા. દુકાનમાં તપાસ કરતાં સેમસંગ કંપનીના અલગ અલગ ૪૪ નંગ મોબાઇલ, ચાર ટેબ્લોઇડ, એક લેપટોપ અને બે હેન્ડસ ફ્રીની ચોરી થઇ હોવાનું જણાયું હતું. કોઇ અજાણી વ્યક્તિ દુકાનનું શટર ઊંચું કરી પ્રવેશી કુલ રૂ.૧ર.૯૮ લાખની મતાના મોબાઇલ ફોન, ટેબ્લોઇડ અને હેન્ડસ ફ્રીની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:16 pm IST)