Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સેલ્ફી ભારે પડી : કેનાલમાં પડતા બે યુવકોના મોત થયા

કોબા સર્કલ પાસે નભોઇ ગામની કેનાલનો બનાવ : કુબેરનગરમાં રહેતા બે યુવકો ફરવા ગયા હતા અને સેલ્ફી લેવા ગયા ત્યારે બનેલો બનાવ : સમગ્ર વિસ્તારમાં શોક

અમદાવાદ, તા.૧૦ : શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા બે યુવકો ગઇકાલે કોબા સર્કલ આવેલી નભોઇ ગામની કેનાલ પાસે સેલ્ફી લઇ રહ્યા હતા તે સમય પાણીમાં ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગઇકાલે બનેલી ઘટનામાં ફાયરબ્રિગેડને ભારે શોધખોળ બાદ આજે એક મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો, જેથી તેની ઓળખ અને તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી, જયારે બીજા યુવકની બોડી મેળવવા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર કુબેરનગર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા સ્કૂલના બે મિત્રો જયેશ લક્ષ્મણદાસ જેઠાણી અને સંજય નેનાણી ગાંધીનગર ફરવા ગયા હતા. વરસાદી માહોલ હોવાથી બંને નભોઇ ગામની કેનાલ પાસે સેલ્ફી લેતા હતા તે સમયે જયેશનો પગ લપસી ગયો હતો. જયેશને બચાવવા માટે સંજયે તેનો હાથ પકડ્યો હતો. જોકે બંને જણા પાણીમાં લપસી પડ્યા હતા. આ ઘટનાની જાણ જયેશના પિતાને થતાં તેઓએ ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી. ગાંધીનગર ફાયર બ્રિગ્રેડની ટીમ યુવકોની શોધખોળ માટે નહીં આવતાં તેમણે અમદાવાદ ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરી હતી. અમદાવાદ ફાયર બ્રિગ્રેડની ટીમ ગઇકાલથી યુવકોને શોધી રહી હતી ત્યારે ફાયરબ્રિગેડને ભારે જહેમત બાદ આજે એક મૃતદેહ પાણીમાંથી મળ્યો હતો, જેથી તેની ઓળખ અને તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી, જયારે બીજા યુવકની બોડી મેળવવા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે પ્રયાસો ચાલુ રાખ્યા છે.

(8:16 pm IST)