Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોહરાબુદ્દીન એન્‍કાઉન્‍ટર કેસ : વણઝારાને બોમ્‍બે હાઇકોર્ટે આપી મોટી રાહત

નીચલી કોર્ટના ફેંસલાને યથાવત રાખતા કોર્ટે વણઝારા સહિતના અન્‍ય પોલીસકર્મીઓને આ કેસમાંથી મુક્‍ત કર્યા

મુંબઇ તા. ૧૦ : બોમ્‍બે હાઇકોર્ટે દેશના પ્રખ્‍યાત સોહરાબુદ્દીન મુઠભેડમાં નિચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખીને પૂર્વ એટીએસ પ્રમુખ ડી.જી.વણઝારા સહિત અન્‍ય પોલીસ અધિકારીઓને આરોપોમાંથી મુક્‍ત કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, નીચલી કોર્ટે આ મામલે ગુજરાતના આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ ડી.જી.વણઝારા ગુજરાત પોલીસના અધિકારી એન.કે.અમીન, રાજસ્‍થાન કેડરના આઇપીએસ અધિકારી દિનેશ એમએન અને રાજસ્‍થાન પોલીસના કોન્‍સ્‍ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્‍ત કરી દીધા હતા.

દેશના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્‍કાઉન્‍ટર કેસમાં બોમ્‍બે હાઈકોર્ટે ડીજી વણઝારાને મોટી રાહત આપી છે. નીચલી કોર્ટના ફેસલાને યથાવત રાખતા કોર્ટે વણઝારા સહિતના અન્‍ય પોલીસકર્મીઓને આ કેસમાંથી મુક્‍ત કર્યા છે. વણઝારા સાથે આઈપીએસ રાજકુમાર પાંડિયન, એનકે અમીન, રાજસ્‍થાનના આઈપીએસ દિનેશ એમએન તેમજ કોન્‍સ્‍ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્‍ત કરાયા છે.

સોહરાબુદ્દીન કેસમાં નીચલી કોર્ટે આ તમામ લોકોને દોષમુક્‍ત કર્યા હતા. જોકે, સોહરાબના ભાઈ રૂબાબુદ્દીન અને સીબીઆઈએ નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ એન્‍કાઉન્‍ટરની તપાસ કરી રહેલી સીબીઆઈએ તેને બનાવટી ગણાવી તમામ પોલીસકર્મીઓ તેમાં સંડોવાયેલા હોવાનું કહ્યું હતુ. જયારે, બચાવ પક્ષનો દાવો હતો કે સોહરાબના તાર આતંકીઓ સાથે હતા.

સીબીઆઈની ચાર્જશિટ અનુસાર, ગુજરાતના એક સંદિગ્‍ધ ગેંગસ્‍ટર સોહરાબુદ્દીન શેખ અને તેની પત્‍ની કૌસર બીને ગુજરાત એટીએસ અને રાજસ્‍થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદ પાસેથી પકડ્‍યા હતા, અને સોહરાબને નવેમ્‍બર ૨૦૦૫માં થયેલા એન્‍કાઉન્‍ટરમાં મોતને ઘાટ ઉતારાયો હતો.

આ કેસના આરોપી આઈપીએસ વિપુલ અગ્રવાલને પણ કોર્ટે તેમાંથી મુક્‍ત કર્યા છે. કોર્ટે અગ્રવાલની અરજી પર અલગથી સુનાવણી કરી હતી. મહત્‍વનું છે કે, અગ્રવાલને દોષમુક્‍ત કરવાની અરજી ગયા વર્ષે નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, બોમ્‍બે હાઈકોર્ટે તેમને રાહત આપી છે.

 

(5:32 pm IST)