Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગૌરી લંકેશના હત્‍યારાને ગુજરાત FSL દ્વારા ઓળખી કઢાયો

દેશભરમાં ચકચારી બનેલ વરિષ્‍ઠ પત્રકારની હત્‍યાનો મામલોઃ હત્‍યા પરશુરામ વાઘમરે દ્વારા થયાનું અંતે ખૂલ્‍યું

રાજકોટ, તા. ૧૦ :. સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર કર્ણાટકના બેંગ્‍લુરૂની ‘લંકેશ પત્રિકા'ના વરિષ્‍ઠ અને જાણીતા પત્રકાર એવા ગૌરી લંકેશની તેમના ઘર બહાર ૨૦૧૭ની ૫ મી સપ્‍ટેમ્‍બરે થયેલ હત્‍યા પરશુરામ વાઘમરે દ્વારા જ થયાનું ષડયંત્ર ખુલ્લુ પાડયું છે. જેમાં ગૌરવની બાબત એ છે કે, સમગ્ર કાવત્રુ ખુલ્લુ કરવામાં ગૌરવસમી ગાંધીનગર સ્‍થિત ગુજરાત ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીના નિયામક તથા નાયબ નિયામકના સીધા માર્ગદર્શન હેઠળની પ્રમુખ ભૂમિકા રહી અને આરોપીની ઓળખ પણ ગુજરાત                                                એફએસએલ દ્વારા થયાની વાતને ખુદ કર્ણાટકની બેંગ્‍લુરૂ પોલીસે પણ સ્‍વીકારી છે.

ચોક્કસ ઉગ્રપંથી સંગઠનો દ્વારા દેશભરમાં જાણીતા ગૌરી લંકેશની કરપીણ હત્‍યાએ સન્‍નાટો મચાવવા સાથે વરિષ્‍ઠ રાજકારણીઓ સામે પણ આક્ષેપો અને શંકાની સોય ચિંધવામાં આવતા ચકચાર મચેલ. બનાવની ગંભીરતા પારખી કર્ણાટકની બેંગ્‍લુરૂ પોલીસે આ મામલે ‘સીટ'ની રચના કરી હતી.

સીટ તપાસ દરમ્‍યાન એક ડાયરી મળી હતી. જેમાં ખૂબ જાણીતા એવા એકટીવીસ્‍ટોની હત્‍યા માટેનું કાવત્રુ અમોલ કાલે વિ. દ્વારા રચાયેલ. અગાઉ થયેલી એક હત્‍યાના તાર સીબીઆઈ એ કાલે સાથે જોડતા બનાવની ગંભીરતા વધી ગઈ હતી.

ગૌરી લંકેશની હત્‍યામાં જેમની હત્‍યાઓ કરવા માટે આખુ લીસ્‍ટ તૈયાર કરવામાં આવેલ. તેમા જાણીતા ફિલ્‍મી અભિનેતા ગિરીશ કર્નાડનું નામ પ્રથમ ક્રમે અને ગૌરી લંકેશનું નામ બીજા નંબરે હોવાની હકીકત ખૂલતા સંબંધક રાજ્‍યોની પોલીસની એલર્ટ કરી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવાયેલ.

ફરી મૂળ વાત પર આવીએ તો પરશુરામ વાઘમરેની શંકા પરથી ‘સીટ' દ્વારા ધરપકડ કર્યા બાદ તેની ઓળખ મેળવવા માટે તેની સીસીટીવી ફુટેજના શકમંદ શખ્‍સના દ્રશ્‍યો ગાંધીનગર મોકલાયેલ ગુજરાત એફએસએલના વડા તથા નાયબ વડાએ આ ગુજરાત માટે પડકારરૂપ આ બનાવમાં મહારાષ્‍ટ્રની એક અન્‍ય હત્‍યા કે જેમા પણ આ આરોપી શકમંદ હતો તેના પુરાવા મેળવી લીધા હતા.

એફએસએલ દ્વારા પરશુરામ વાઘમરેના બન્ને ફુટેજના હલન, ચાલવા, ઉંચાઈ વિ.ની બોડી લેન્‍ગવેજ, જેને એફએસએલની પરિભાષામાં ‘ગેટ-પેટન્‍ટ' કહેવાય છે તેની ચકાસણી વિશેષ સાધનોથી કરાવતા ગૌરી લંકેશની હત્‍યાનો આરોપી ઓળખાઈ ગયો હતો. આ હત્‍યાકાંડમાં કુલ ૧૪ શખ્‍સો હોવાનું માનવામં આવે છે. જેમા ઘણા મહારાષ્‍ટ્રનાં અને ગોવા તરફના હોવાનું માને છે. સીટી (બેંગ્‍લુરૂ) દ્વારા અત્‍યાર સુધી ૧ ડઝનથી વધુ શખ્‍સોની ધરપકડ કરી છે.

(5:22 pm IST)