Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઉમરેઠના સુરેલીમાં રાત્રીના સુમારે બારીની ગ્રીલ તોડી તસ્કરો 78 હજારની મતા તફડાવી છુમંતર

ઉમરેઠ:તાલુકાના સુરેલી ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને બારીની ગ્રીલ તોડી નાંખીને અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૧૦ હજાર મળીને કુલ ૭૮ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ઉમરેઠ શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આરીફખાન ફકીરમહંમદખાન પઠાણ સુરેલી ગામે રહે છે અને ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૮મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે જમી પરવારીને પરિવાર સાથે અંદરના રૂમમાં સુઈ ગયા હતા જ્યારે તેમના પિતા બેઠક રૂમમાં સુઈ ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને રસોડાની બારીની ગ્રીલના બે સળિયા વાળી દઈને અંદર ઘુસ્યા હતા અને રસોડાનો દરવાજો ખોલી નાંખ્યો હતો. ત્યારબાદ તિજોરીનું ડ્રોઅર ખોલીને અંદર મુકેલ સોનાનો ત્રણ તોલા વજનનો સેટ, એક તોલાનો દોરો, હાથની પાંચ વીટીઓ, સોનાનું ઝુમ્મર, ચાંદીની ઝાંઝરી અને ઝાંજર તથા રોકડા ૧૦ હજાર મળીને કુલ ૭૮ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

સવારે જ્યારે આરીફખાન ઉઠ્યા ત્યારે તિજોરીનો બધો સામાન વેરવિખેર જોયો હતો જેથી તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી ઘટનાની જાણ તુરંત જ ઉમરેઠ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર તસ્કરોએ કોઈ વજનદાર વસ્તુથી બારીના બે સળિયા વાળી દીધા હતા અને તેના વાટે અંદર પ્રવેશ કર્યો હતો.

(5:20 pm IST)