Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

દહેજના મામલે ઉમરેઠની પરિણીતાને અપમાનિત કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર વિરુદ્ધ ગુનો દાખલ

ઉમરેઠ:ખાતે રહેતી એક પરિણીતા પર તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજના મામલે અપમાનિત કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતા આ અંગે ઉમરેઠ પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર વડોદરાના સાવલી રોડ ઉપર આવેલા દુમાડ ખાતે રહેતી રશ્મિકાબેન મનહરભાઈ ચૌહાણે ગત ૨૭-૫-૧૬ના રોજ ઉમરેઠના જાગનાથ ભાગોળ ખાતે રહેતા મૌલેશભાઈ રમણભાઈ રાવળ સાથે સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામે પ્રેમલગ્ન કર્યા હતા. પતિ કાંઈ કમાતો ના હોય અને ઘરના સભ્યોને જાણ કરવાની હોય મૌલેશે તેણીને તેના પિયર મોકલી આપી હતી. પરંતુ પાંચેક મહિના બાદ ઘરના સભ્યોને લગ્નનું સર્ટીફીકેટ મળી આવતાં જાણ થઈ ગઈ હતી જેથી બન્ને પરિવારોએ ભેગા મળીને સમાધાન કરીને રશ્મિકાબેનને તેની સાસરીમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં શરૂમાં જીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને ઘરના સભ્યોએ તેણીને અપમાનિત કરીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. 

દહેજની માંગણી કરવામાં આવતાં રશ્મિકાબેને ટુકડે-ટુકડે થઈને પીયરમાથી એક લાખ રૂપિયા જેટલી રકમ લાવી આપી હતી. તેમ છતાં પણ દહેજની માંગણી ના સંતોષાતા તેણી પરના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો ત્યારબાદ પતિ દારૂ પીવાની લત્તે ચઢી જતાં તેણીનું લગ્નજીવન દોઝખરૂપ બની જવા પામ્યું હતુ. ગત ૪થી જુલાઈના રોજ દહેજના મુદ્દે પતિ અને ઘરના સભ્યોએ તકરાર કરીને તેણીને અપમાનિત કરી માર મારી હતી જેથી તેણીએ ૧૮૧ની મદદ લેતાં તેઓ આવી ચઢ્યા હતા અને તેણીને નારીગૃહમાં મોકલી આપવામાં આવી હતી. ત્યાંથી સ્વસ્થ્ય થયા બાદ માતા-પિતાને જાણ કરીને ઉમરેઠ પોલીસ મથકે આવી પતિ મૌલેશ, સાસુ રમીલાબેન, અનિલભાઈ રમણભાઈ રાવળ, રીટાબેન અનિલભાઈ રાવળ, વૈશાલીબેન ઉર્ફે શીતલબેન પ્રકાશભાઈ રાવળ, અલ્પેશરાજ પરમાર વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:20 pm IST)