Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નાણાંની ચુકવણી કરી દસ્તાવેજ ન કરી આપતા પોલીસ ફરિયાદ

ખેડા:જિલ્લાના મહેમદાવાદમાં અમદાવાદની કન્સ્ટ્રકશન કંપની દ્વારા મૂકાયેલ સ્કીમમાં અમદાવાદની મહિલાએ દુકાન નોંધાવી હતી. જેમાં રૂ. ૯.રપ લાખની ચૂકવણી કરવા છતાંયે દુકાનનો દસ્તાવેજ કરી અપાયો ન હતો. આથી મહિલાએ નડિયાદ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક કોર્ટે વિઠ્ઠલ કન્સ્ટ્રક્શન વિરૂધ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં ફરિયાદીને દુકાનનો દસ્તાવેજ કરી આપવા તેમજ રૂ.૫૦૦૦ માનસિક ત્રાસના ચુકવી આપવા હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે. 

 


મળતી માહિતી મુજબ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલં વિઠ્ઠલ કન્સ્ટ્રક્શન પ્રા.લિમિટેડ દ્વારા મહેમદાવાદમાં સાઇટ ચાલુ કરી હતી. જેમાં દુકાનો બનાવીને તેને વેચાણમાં મૂકી હતી. આ અંગે જાણ થતાં અમદાવાદમાં રહેતા ઉર્વી ચૈતન્ય દોશીએ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર ધર્મેશ કાન્તિભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને સ્કીમમાં દુકાન નં ૨૫ નો સોદો કર્યો હતો. 

જેમાં તા. ૧૩ જુલાઇ,ર૦૧૬ના રોજ બાનાખત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે તબકકામાં થઇને ઉર્વી દોશીએ રૂ. ૯.રપ લાખ ચૂકવ્યા હતા. બાનાખતમાં દર્શાવેલી શરત મુજબ એક વર્ષમાં દુકાનનો કબ્જો તેમજ દસ્તાવેજ કરી આપવામાં આવશે તેવું દર્શાવ્યું હતું. પરંતુ દુકાનો બની જવા છતાંયે અને તેની કિંમત ચૂકવવા છતાંયે ઉર્વી દોશીને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો. આ અંગે તેઓએ વારંવાર કન્સ્ટ્રકશન કંપનીના ડાયરેકટરને જણાવવા છતાંયે દસ્તાવેજ અપાયો ન હતો. આથી તેઓએ વકીલ દ્વારા નોટીસ પાઠવી હતી. છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. આથી સમગ્ર બાબતે ઉર્વી દોશીએ નડિયાદ ગ્રાહક કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જો કે સામેવાળા વિઠ્ઠલ કન્સ્ટ્રક્શન તરફથી ગ્રાહક કોર્ટમાં કોઈ હાજર રહ્યું ન હતું. વારંવારની નોટીસો બાદ પણ ગ્રાહક કોર્ટમાં કોઈ ના આવતાં નડિયાદ ગ્રાહક કોર્ટે વિઠ્ઠલ કન્સ્ટ્રકશન વિરૂધ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં અરજદારને વહેલી તકે દુકાનનો દસ્તાવેજ કરી આપવા તથા રૂ.૫૦૦૦ માનસિક ત્રાસના ચૂકવવા હુકમ કર્યો હતો.

(5:20 pm IST)