Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કોંગ્રેસનું ભારત બંધ : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અટકાયત

અમદાવાદના શાહપુર ખાતે હલિમની ખડકી પાસે ભારત બંધને પગલે બે સીટી બસના કાચ તોડવામાં આવ્યા : કોઇ અજાણ્યા લોકોએ બસના કાચમાં તોડફોડ કરી

અમદાવાદ તા. ૧૦ : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે.  આ દરમિયાન ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદના શાહપુર ખાતે હલિમની ખડકી પાસે ભારત બંધને પગલે બે સીટીબસના કાચ તોડવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા લોકોએ બસના કાચમાં તોડફોડ કરી છે.

શાહપુર અને મિર્ઝાપુરમાં AMTS પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. બંને ઘટનામાં બસના બારીના કાચ તૂટી ગયા છે. હાલમાં AMTS-BRTS સેવા રાબેતા મુજબ કાર્યરત છે. પરિસ્થિતિ બગડશે તો તમામ બસ સેવા બંધ કરવામાં આવશે.

સુરેન્દ્રનગરમાં આવતી-જતી તમામ એસ.ટી બસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તમામ ૬૩ રૂટો સહિત આવતી-જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગયેલી બસોને પરત બોલાવવામાં આવી છે. મોરબીમાં કોંગ્રેસી આગેવાનો બંધ કરાવવાની અપીલ સાથે મેદાને. બંધના એલાનથી એસટી સેવાઓ પ્રભાવિત થઈ છે. સલામતી ખાતર એસટી રૂટની સેવાઓ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

બંધને પગલે અમદાવાદના કેટલિક ખાનગી સ્કૂલોના સંચાલકોએ સ્કૂલમાં રજા જાહેર કરી દીધી છે. બીજી તરફ એનએસયૂઆઈ તરફથી સીટીએમ પાસે આવેલી ઓમ શાંતિ હાયર સેકન્ડરી સ્કૂલ બંધ કરાવવામાં આવી છે.

ભારત બંધના પગલે અરવલ્લી ખાતે ભિલોડા-વિજયનગર રોડ પર ટાયર સળગાવવામાં આવ્યા છે. ભિલોડાના ભેટાજી, શામળાજી પાસે ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર ટાયર સળગાવવામાં આવ્યા છે. ટોળાએ ટ્રાફિક બ્લોક કરવાનો પ્રયાસ કરતા પોલીસ ટ્રાફિક કિલયર કામમાં લાગી હતી.

(4:40 pm IST)