Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમદાવાદના શહેરી વિસ્તારો સજ્જડ બંધ : ચક્કાજામ

પેટ્રોલપંપો પણ બંધ કરાવાયા : અમુક વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો : વાહન વ્યવહારો અટકાવાયા : કાલુપુર, દરીયાપુર, શાહપુર સહિત કોંગ્રેસ પ્રેરિત વિસ્તારો બંધ : નારણપુરા, મણીનગર, સેટેલાઈટ, સીજી રોડ સહિત ભાજપના પ્રભુત્વવાળા વિસ્તારો સદંતર ચાલુ : કાર્યકરોની અટકાયત

રાજકોટ, તા. ૧૦ : પેટ્રોલ - ડિઝલના ભાવવધારાના વિરોધમાં આજે અમદાવાદના શહેરી વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. ચક્કાજામ, ટ્રાફીકજામના ઠેર-ઠેર દૃશ્યો સર્જાયા હતા. શહેરના અનેક સ્થળોએથી દેખાવો કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

કોંગી કાર્યકરો દ્વારા દાણીલીમડામાં બીઆરટીએસ બસને રોકવામાં આવી હતી. કાર્યકરો બસની આડે ઉભા રહી ગયા હતા અને રસ્તા ઉપર બેસી રામધૂન બોલાવા લાગ્યા હતા. કાર્યકરો દ્વારા પેટ્રોલપંપો પણ બંધ કરાવવામાં આવ્યા હતા. બજારોમાં આવેલી દુકાનો પણ બંધ કરાવી હતી. અમુક વિસ્તારો તો સવારથી જ સજ્જડ બંધ રહ્યા હતા.

અમદાવાદના શહેરી વિસ્તારો જેવા કે કાલુપુર, દરિયાપુર, શાહપુર જેવા લતાઓ સજ્જડ બંધ રહ્યા હતા. તો નારણપુરા, મણીનગર, સેટેલાઈટ, એસજી હાઈવે, સીજી રોડ ચાલુ રહ્યા હતા.

ટૂંકમાં કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા તો ભાજપના પ્રભુતત્વવાળા વિસ્તારો ખુલ્લા રહ્યા હતા. અનેક વિસ્તારોમાં ચક્કાજામ, ટ્રાફીક જામ જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

(4:11 pm IST)