Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અંબાજીમાં ૧૯મીથી પ્લાસ્ટિક મુકત મેળો, ગુટકા - તમાકુ લાવનારને રોકાશે

ફિલ્મી ગીતો નહિ, માત્ર ભજન - ગરબા સંભળાશે : પ્રસાદના ભાવ પર નિયંત્રણ : વિભાવરીબેન દવે

ગાંધીનગર તા. ૧૦ : ભાદરવી મહામેળો ૨૦૧૮ આવનારા નજીકના દિવસોમા શરૂ થઇ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિર ના મિટિંગ હોલમાં અંબાજી મંદિર ના ચેરમેન સંદીપ સાંગલે, બનાસકાંઠા એસપી પ્રદીપ સેજુલ, અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડા અને અન્ય બીજા અધિકારી ગણ અને ભાદરવી પુનમીયા સેવા સંઘના પ્રતિનિધિઓ સાથે ગુજરાત સરકાર ના યાત્રાધામ મંત્રી વિભાવરી બેન દવે ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમા સંઘો ના પ્રતિનિધિઓ પોતાના મંતવ્ય અને વિચારો રજુ કર્યા હતા ત્યારબાદ યાત્રાધામ વિકાસ મંત્રી એ ટ્રસ્ટ ના અધિકારીગણ સાથે વિચાર વિમર્શ કરી ૨૦૧૮ ના મહામેળા માટે સુચનો કર્યા હતા

અંબાજી મહામેળો તા. ૧૯ થી ૨૫ થી શરૂ થઇ રહ્યો છે ત્યારે આ મહામેળા ને લઇ અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે આજે થયેલી સમીક્ષા મીટિંગ માં વિભાવરીબેન દવેએ નીચે મુજબ જાહેરાત કરી હતી.

૧. અંબાજી મહામેળામાં આ વખતે પ્લાસ્ટીક મુકત મેળો યોજાય.ઙ્ગ

૨. સ્વછતા સાથે માની ભકિત થાય અને સ્વછતાનું ધ્યાન રાખવામા આવે.

૩. અંબાજી મહામેળા મા કોઈ વ્યસની ન આવેઙ્ગ

૪. ગુટકા - તમાકુ લાવનારાને અટકાવવામાં આવશે.

૫. પ્રસાદના વેપારીઓ ઉપર ભાવ નિયંત્રણ કરવામાં આવશે, યાત્રાધામ મંત્રી એ જાહેરાત કરીઙ્ગ

૬. પ્રસાદના કાઉન્ટરો ૨૦૧૮ના મેળા મા અંબાજી મંદિર તરફથી વધારવામાં આવશે.

૭. દર્શનાર્થીઓ માટે ગરમ પાણી ની વ્યવસ્થા પણ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે.

૮. મોબાઈલ શૌચાલયો ૧૫થી વધુ સ્થળે મૂકવામાં આવશે.

૯. સંઘો અને સેવા મંડળીઓનું રજીસ્ટ્રેશન કરાવી ભકિત નો સંદેશ આપવામાં આવશે.

૧૦. મહામેળા દરમિયાન કોઈ ફિલ્મી ગીતો નહીં અને માત્ર ભજન ગરબાના ગીતો સંભળાય તેવી વિનંતી પણ કરવામાં આવી છે.(૨૧.૧૦)

 

(12:48 pm IST)