Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજની માંગ સાથે નિવાસ સ્થાને શરૂ કર્યા ઉપવાસ

હોસ્પીટલમાં સારવાર બાદ સ્થિતિ સુધરતા ફરીઃ ઉંઝા ઉમિયા માતાના મંદિરના મંત્રી દિલીપ પટેલ દ્વારા હાર્દિકની માંગને સમર્જન મળ્યું

રાજકોટ, તા. ૧૦ :. ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે હોસ્પીટલમાં સારવાર બાદ સ્થિતિ સુધરતા ફરી અમદાવાદ નિવાસ સ્થાને ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

હાર્દિક પટેલની તબીયતમાં સુધારો થતા એસજીવીપી હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. બાદ સીધો જ ગ્રીન વુડ રીસોર્ટમાં તેમના નિવાસ સ્થાને ઉપવાસ શરૂ કર્યા છે. પ્રવેશ દ્વારા પોલીસ સાથે થોડી ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ગઈકાલે પાટીદાર સદ્બવાના યાત્રા પાટણથી નીકળી હતી જે ઊંઝા ઉમિયા માતાના મંદિર પુરી થઇ હતી. ત્યાર બાદ પાસના નેતા અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ઔપચારિક બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતના મુદ્દે ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે સંસ્થાનનું સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. આમ હાર્દિકના મુદ્દાને પાટીદારોની મોટી ગણાતી સંસ્થાનો સાથ મળતા આંદોલનને વેગ મળશે એવું લોકો માની રહ્યા છે.

પાટણઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન બાદ પાટીદારો દ્વારા ફરી એક વખત અનામત આંદોલનમાં સક્રીય ભાગ લઈ રહ્યા છે. રવિવારે હાર્દિકના સમર્થનમાં પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી ૩૧ કિમી લાંબી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.

પાસ સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાટણ સહિત ઉત્ત્।ર ગુજરાતના ૧૫ હજારથી વધુ પાટીદારો આ  યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો પણ હાજરી આપવાના હોવાની જાહેરાતથી પોલીસ પણ સતર્ક બની ગઈ હતી.

સવારે ૮ વાગ્યે પાટણના મોતીશા દરવાજા સ્થિતિ ખોડિયાર માતાજીના મંદિરે મહાઆરતી બાદ સદ્બાવના યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા સાંજે ઊંઝા ખાતે આવેલા ઉમિયામાતાના મંદિરે પહોંચી હતી.

સદભાવના યાત્રામાં પાટણના ૯૦ ગામના લોકો જોડાયા હતા. તે સિવાય સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર, મહેસાણાથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.(૨-૯)

(12:03 pm IST)