Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વિદેશ ભણવા માટે જનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે

વિદ્યાર્થીઓમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકાનો ક્રેઝ : અમદાવાદમાં ફોરેન એજયુકેશન ફેર થયો : વિદ્યાર્થીઓને વિદેશ જવાથી લઇને કોર્સ સહિત અપાયેલી બધી માહિતી

અમદાવાદ, તા.૯ : સમાજમાં શિક્ષણ પરત્વે વધી રહેલી જાગૃતિ અને મહત્વને લઇ અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજયમાંથી હવે વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ દિન-પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ક્રેઝ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિતના દેશોનો રહે છે. એક અંદાજ મુજબ, ગુજરાતમાંથી વર્ષેદહાડે પાંચથી છ હજાર વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા હોય છે, જેમાં માત્ર અમદાવાદમાંથી જ પંદરસોથી બેહજાર વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું સાકાર કરવા પહોંચતા હોય છે. આજના સમયમાં ગુજરાત સહિત ભારતના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે અને કારકિર્દી બનાવવાની ઉજળી તકો રહેલી હોઇ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ તે દિશામાં વળ્યા છે એમ અત્રે જાણીતી શિક્ષણ સંસ્થા રાવ કન્સલ્ટન્ટ્સ દ્વારા શહેરમાં યોજાયેલા ફોરેન એજયુકેશન ફેર-૨૦૧૮ દરમ્યાન સંસ્થાના એકેડમીક હેડ પૂર્વી અંતાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ માર્ગદર્શન અને વિઝાથી લઇ વિદેશમાં વિવિધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમથી લઇ કારકિર્દી સુધીની રજેરજની તમામ માહિતી અને જાણકારી માટે અમદાવાદમાં આ ખાસ પ્રકારના રાવ ફોરેન એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફોરેન એજયુકેશન ફેરમાં વિદેશની ૨૦થી વધુ યુનિવર્સિટીઓ અને ૪૦થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.  તો, વિદ્યાર્થીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઇ વિદેશ જઇ અભ્યાસ કરવાના ઉપયોગી માર્ગદર્શન મેળવવાની તક ઝડપી લીધી હતી. રાવ કન્સલ્ટન્ટ્સના એકેડમીક હેડ પૂર્વી અંતાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, આર્યલેન્ડ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, સ્વિત્ઝરલેન્ડ, થાઇલેન્ડ, દુબઇ, લંડન સહિતના દેશોના પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નિષ્ણાત તજજ્ઞોએ ભાગ લીધો હતો. એટલું જ નહી, એન્જિનીયરીંગ, આઇટી, ઇન્ટરનેશનલ માર્કેટીંગ, ફેશન એન્ડ લક્ઝરી ગુડ્ઝ મેનેજમેન્ટ, ફુડ અને બેવરેજીસ મેનેજમેન્ટ, ડિજિટલ મેનેજમેન્ટ ઓફ ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, બિઝનેસ એડમીનીસ્ટ્રેશન સહિતના પાંચ હજાર જેટલા વિવિધ ્અભ્યાસક્રમો વિશે વિદ્યાર્થીઓને ખૂબ મહત્વની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. એટલું જ નહી, અહીંથી વિદેશ કેવી રીતે જઇ શકાય, આઇએલટીએસ, તેના માટે વિઝા સહિતની સમગ્ર પ્રક્રિયા, ત્યાં પહોંચ્યા પછી શું, ત્યાંની કઇ કઇ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં પ્રવેશની પ્રક્રિયા, ત્યાનું ફી સ્ટ્રકચર, ત્યાં ભણવાની સાથે સાથે કેવી રીતે પાર્ટ ટાઇમ જોબ કરી ફીનો ખર્ચો કાઢી શકાય, સ્કોલરશીપ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉજળી તક સહિતની રજેરજની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. સંસ્થાના એકેડમીક હેડ પૂર્વી અંતાણીએ ઉમેર્યું કે, અમારી સંસ્થા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવા અને તેમની કારકિર્દી બનાવી શકાય તેવા ઉમદા આશયથી આ પ્રકારના અનોખા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. આજનો એજયુકેશન ફેર વિદેશ અભ્યાસ અર્થે જવા માંગતા અને કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યોજાયેલા આજના એજયુકેશન ફેરની સફળતાને લઇ અમે ભારે પ્રોત્સાહિત છીએ અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં કલ્યાણકારી માર્ગદર્શિકા-કાર્યક્રમો પણ આયોજન કરીશું.

(9:13 pm IST)