Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મહુડાની દોડીમાંથી મળતુ ખાદ્ય તેલ આદિવસીઓ માટે આશિર્વાદરૂપ બન્યુ

મહુડાનું તેલ બેડ કોલેસ્ટ્રોલ થવા નથી દેતું : મહુડાનાં બીજ અને તેનું તેલ શરીર માટે ખૂબ ગુણકારક હોવાનું કોલેજ ઑફ ફોરેસ્ટ્રીના નિષ્ણાંટુનું કહેવું

નવસારી તા.10 : નવસારીનાં વાંસદા તાલુકામાં મહુડાના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. આની ડોળી એટલે કે બીજ દ્વારા સારી એવી આજીવિકા આદિવાસી સમુદાયના લોકો મેળવે છે. મહુડાના વૃક્ષ પર મહુડાના ફૂલ સમાપ્ત થઇ ગયા પછી મહુડાની ડોળી એકત્ર કરે છે. આ મહુડાની ડોળીને સુકવે છે, પછી તેને છોલી નાંખે છે. જે મહુડાની ડોળી સંપૂર્ણપણે સુકાઇ જાય ત્યારબાદ અત્યારે ચોમાસાની સિઝનમાં ડોળીને  તેલની ઘાણીએ પિલાવી તેલ કઢાવે છે. આ તેલ આદિવાસી સમુદાયના લોકો પોતાના ખોરાક રાંધવામાં કરે છે. 

નવસારીના આદિવાસી પટ્ટના વાંસદા તાલુકામાં પ્રાકૃતિક ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષોમાં મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો થાય છે. મહુડામાંથી માદક પીણું બનતુ હોવાનું જાહેર છે, પરંતુ એજ મહુડાના ડોળી એટલે બીજમાંથી આરોગ્યવર્ધક તેલ પણ મળે છે. જૂનથી ઓગસ્ટ મહિના સુધી આદિવાસીઓ મહુડાના ઝાડ નીચે પડતા બીજ (ડોળી) વીણે છે. મોડી રાતથી વહેલી સવારે મહુડાના વૃક્ષ પરથી ડોળી બીજ પડતા હોય છે, જેથી આદિવાસીઓ ઉજાગરા કરી ડોળી બીજ વીણે છે, ક્યારેક તો મહુડાની ફરતે લાઈન પણ લાગે છે. ડોળી વિણ્યા બાદ ઘરે લઈ જઈ, બીજને ફોડવામાં આવે છે અને તેને પાણીમાં ધોયા બાદ સૂકવવામાં આવે છે. લગભગ અઠવાડિયું સુકવ્યા બાદ બીજને લઈને આદિવાસીઓ કાચી ધાણીવાળાને ત્યાં પહોંચે છે. વહેલી સવારથી ઘાણીવાળાને ત્યાં પણ લાઈન લાગે છે અને મહુડાનાં ડોળી બીજનું પીલાણ કરીને ખાદ્ય તેલ કાઢવામાં આવે છે.
આદિવાસીઓ સીંગતેલ કે કપાસિયા તેલને બદલે મહુડાના ડોળી તેલનો વધુ ઉપયોગ કરે છે. કારણ મહુડાનાં બીજનું તેલ ઉપયોગમાં ઓછું વપરાય છે અને એનો સ્વાદ પણ આદિવાસીઓને પ્રિય છે. ખાસ કરીને મહુડાનું તેલ બેડ કોલેસ્ટ્રોલ થવા દેતું નથી, સાથે જ તેલના સેવન બાદ આદિવાસીઓ પોતાને ઉર્જાવાન અનુભવે છે. જેથી મહુડાનું તેલ હૃદયના શ્રેષ્ઠ મિત્ર તરીકે કામ કરે છે. બીજી તરફ તેલનો ગુણધર્મ ગરમ હોવાને કારણે માલિશ માટે પણ એનો ઉપયોગ થાય છે. લોકો સ્નાયુના દુઃખાવામાં મહુડાના તેલનો ઉપયોગ કરતા હોય છે.

આદિવાસી પટ્ટામાં મળતા મહુડાના ઝાડમાંથી પડતા ડોળીના બીજમાંથી બનતા તેલને નિષ્ણાંતો પણ ખાવા માટે શ્રેષ્ઠ માની રહ્યા છે. જેના માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઑફ ફોરેસ્ટ્રીના નિષ્ણાંત છેલ્લા થોડા વર્ષોથી મહુડા ઉપર સંશોધન કરી રહ્યા છે. જેમાં કુદરતી ઘી ગણાતા મહુડાના બીજમાંથી સારી ગુણવત્તાના વૃક્ષ ઉગાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જેથી મહુડાની ખેતી કરી શકાય અને એના બીજ ડોળી દ્વારા સંપૂર્ણ કુદરતી શુદ્ધ તેલ બનાવી શકાય.

આદિવાસી વિસ્તારોમાં કુદરતી રીતે થતા મહુડાના ફૂલ અને બીજના લાભોને ધ્યાનમાં લેવામાં આવે, તો એક ઉત્તમ ઔષધિ છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ઉત્તમ ગુણવત્તાના મહુડાના વૃક્ષોનો ઉછેર પર સંશોધન આદિવાસીઓને એક નવી આર્થિક ક્ષમતા આપવાનો પણ પ્રયાસ કહી શકાય.

(7:37 pm IST)