Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

લો પ્રેશર સિસ્‍ટમ સક્રિય હોવાથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન વિભાગ

24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયોઃ માછીમારોને ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં લો પ્રેશર સિસ્‍ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામ્‍યો છે. રાજ્‍યના 153 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ ત્રણ દિવસમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતા પાંચ દિવસમાં માછીમારોએ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના અપાઇ છે.

ગુજરાત પરથી આગામી દિવસોમાં મોનસૂન ટર્ફ પસાર થશે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

(5:22 pm IST)