Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વડોદરામાં નિવૃત્ત લશ્‍કરી જવાનના એકના એક પુત્રનું નશાના ઓવરડોઝના કારણે મૃત્‍યુઃ માતાએ હત્‍યા થઇ હોવાની આશંકા વ્‍યક્‍ત કરી

ઘટનાના સ્‍થળે પતરાના રોડ પર ડ્રગ્‍સની સીરીંઝ, ઉંઘની ગોળીઓ જેવી શંકાસ્‍પદ વસ્‍તુઓ પોલીસને મળી આવી

વડોદરાઃ વડોદરાના સમા વિસ્‍તારમાં લક્ષ્મી કુંજ સોસાયટીમાં રહેતા નિવૃત્ત લશ્‍કરી જવાનનો 32 વર્ષીય પુત્ર વિવેક કરન મોડી રાત્રે ચાણક્‍ય પુરી સોસાયટી પાસે આપેલા રાધેકૃષ્‍ણ ફલેટમાં ગયો હતો તે દરમિયાન રહસ્‍યમય સંજોગોમાં તેમનું મોત નિપજ્‍યુ હતુ. યુવકના માતાએ હત્‍યાની આશંકા વ્‍યક્‍ત કરી છે. જ્‍યારે પોસ્‍ટમોર્ટમમાં યુવાનનું દારૂના ઓવરડોઝને કારણે મૃત્‍યુ થયુ હોવાનું બહાર આવ્‍યું છે.

વડોદરામાં નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું નશાના ઓવરડોઝ કારણે મોત નીપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક યુવકની માતાએ તેમના પુત્રને જબરદસ્તી નશાના ઇન્જેક્શન લગાવી હત્યા કરી નાખ્યાનો આક્ષેપ કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

વડોદરાના સમા વિસ્તારમાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક 32 વર્ષનો પુત્ર વિવેક કરન અમદાવાદમાં ખાનગી કંપનીમાં એચઆરમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાના સુમારે તે સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરતા સમા પોલીસ મથકના પીઆઇ ડો. બી.બી. પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઘટનાની જાણ વિવેક કરનના માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ રાધેકૃષ્ણ ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

આ બનાવને પગલે ફ્લેટના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે વિવેકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રૂમમાં રહેતી એક યુવતી તેમજ એક યુવાનને પોલીસ મથકમાં લાવી પૂછપરછ શરૂ કરી છે.. વિવેક કરનનું જે રૂમમાં મોત નીપજ્યું છે. તે રૂમની પાછળના ભાગે આવેલા પતરાંના શેડ ઉપર ડ્રગ્સ લેવાની સીરીંજ, ઉંઘની ગોળીઓ જેવી અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓ પોલીસને મળી આવી.

મૃતક વિવેકના મોત મામલે તેની માતાએ ધ્રુસકે ધ્રુસકે રડી ગંભીર આક્ષેપો કર્યા જેમાં માતાનો આરોપ છે કે તેમના પુત્ર વિવેકને જબરદસ્તીથી નશાના ઇન્જેક્શન આપી હત્યા કરી નાખી છે. વિવેકના ગરદન અને હાથના ભાગે ઇજાના નિશાન છે. તમામ લોકો મળેલા છે. યોગ્ય તપાસ થવી જોઈએ.

સમા પોલીસે મૃતક વિવેકની મોત બાદ ફ્લેટ માલિક બલજીત રાવત, તેના મામા કૈલાશ ભંડારી, કૈલાશ સાથે લિવ ઈનમાં રહેતી નેહા ભંડારીની કડક પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત છે કે સયાજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગ અનુસાર પોસ્ટમોર્ટમમાં યુવાનનું દારૂના ઓવરડોઝના કારણે મોત થયું હોવાનો થયો ખુલાસો થયો છે. ત્યારે પોલીસ હવે વિવેકે જાતે નશો કર્યો કે પછી તેને કોઈએ જબરદસ્તીથી નશાકારક ઇન્જેક્શન લગાવ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(5:20 pm IST)