Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પત્‍નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય : હાંસી ઉડાવનારને સુરત કોર્ટે ફટકાર્યો ૭ હજારનો દંડ

સુરત,તા.૧૦:સામાન્‍ય રીતે રાજયમાં અવાર નવાર પત્‍ની પર માનસિક તેમજ શારિરીક ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્‍સા પ્રકાશમાં આવે છે. ત્‍યારે પરિણતાઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્‍યાય માટે કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ જોકે પતિ પત્‍ની વચ્‍ચે નાની મોટી રકજક અને હસી મજાક થતી હોય છે. ત્‍યારે આવી જ એક ઘટનામાં સુરતની કોર્ટે ચોંકાવનારો ચૂકાદો સંભળાવ્‍યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા મનિષાબેનના લગ્ન ચાર મહિના પહેલાં મહેશભાઇ પટેલ સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ મહેશભાઇના પરિવારજનો દ્વારા નાની નાની બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્‍તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ સીમંતના પ્રસંગ દરમિયાન પણ ઝઘડો કર્યો હતો.

આ ઉપરાંત મહેશભાઇ અને તેમના પરિવારજનો મનિષાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે કંટાળીએ મનિષાબેને વકીલ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં દાખલ કરીને ભરણપોષણ માંગ્‍યું હતું.

આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્‍નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્‍માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્‍નીની હાંસી ઉડાવનારને ૭ હજાર ભરણપોષણનો આદેશ કર્યો હતો.

(3:15 pm IST)