Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભરાવદાર કેશવાળી, સંત પુરૂષ જેવી ભાવવાહી આંખો અને રાજાશાહી ઠાઠ... આ છે ગિરનો સાવજ

આજે વિશ્વ સિંહ દિવસ... માણો તસ્‍વીરના માધ્‍યમથી સિંહની અનોખી લાક્ષણીકતા

રાજકોટઃ આજે વિશ્વભરમાં સિંહ દિવસ ઉજવાઇ રહયો છે. ગીરમાં વિચરતા સિંહને જોવો એ માનવી માટે લાહવો છે. એશીયાટીક સિંહો ગીરના જંગલની આન-બાન-શાન છે. પર્યાવરણ પ્રેમી માટે સિંહ હરહંમેશ અનોખુ આકર્ષણ બની રહે છે. જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર અને સ્‍ટેટ વાઇલ્‍ડ લાઇફ બોર્ડના પુર્વ સભ્‍ય શ્રી ભુષણ પંડયાએ તેમના જીવનકાળનો મોટો સમય ગીરને ખુંદવામાં અને સિંહોની તસ્‍વીર ખેંચવામાં વિતાવ્‍યો છે. આજે વિશ્વ સિંહ દિવસે તેમના દ્વારા ખેંચવામાં આવેલી સિંહની લાક્ષણીકતા દર્શાવતી વિવિધ ૮ તસ્‍વીરો અહિંયા પ્રસ્‍તૃત છે માણો....

(૧) સિંહ, વાઘ, દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ જીભથી પાણી પીવે છે, જ્‍યારે ચિતલ, સાબર જેવા તળણાહારી પ્રાણીઓ મોથી ઘૂંટડા ભરીને પાણી પીવે છે.  આ ફોટામાં સિંહની જીભ અંદરની તરફ વળેલી દેખાય છે. આપણે ખોબા ભરીને પાણી પીએ તે રીતે જીભથી પાણી સિંહનાં મોઢામાં જાય છે.

(૨) નાનાં બચ્‍ચા વાળી સિંહણ હંમેશા બચ્‍ચાની સલામતી માટે ચિંતિત હોય છે. આ ફોટામાં માતા જાણે એક સલામતીની દિવાલ બનીને બેઠી હોય અને બચ્‍ચા કુતુહલ પૂર્વક આજુબાજુ નું નિરીક્ષણ કરી રહ્યા તે જોઈ શકાય છે.

(૩) સિંહ ૨૪ કલાકમાં ઓછામાં ઓછું એક વખત પાણી પીવે છે, તે હકીકત સિંહ ગણતરી નું એક મહત્‍વનું પાસું છે. એટલા માટે જ સિંહ ગણતરી ઉનાળામાં જ થાય છે. જ્‍યાં જ્‍યાં સિંહ હોવાની શકયતા છે, ત્‍યાં ત્‍યાં પાણીના દરેકસ્ત્રોત ઉપર ગણતરીકારની એક ટીમ ૨૪ કલાક બેસી રહે છે. બીજા ગણતરીકારો પણ તેમને ફાળવાયેલા વિસ્‍તારમાં ફરીને અવલોકન કરતા રહે છે.

(૪) મુલાકાતીઓ માટે સિંહની એક ઝલક પણ  જીવનભરની યાદગીરી બની રહે છે. આ તસવીરમાં પ્રવાસીઓ આનંદ અને કુતુહલ પૂર્વક સિંહને   નિહાળી રહ્યા છે અને ફોટા પાડી રહ્યા છે.

(૫) અને (૬) સિંહના ક્‍લોઝઅપ માં તેની ભરાવદાર કેશવાળી, સંત પુરુષ જેવી આંખો અને  રાજાશાહી સ્‍વરૂપ દેખાય છે સિંહનાં ચહેરા ની માંસપેશીઓ મનુષ્‍યને મળતી આવે છે. તેથી જ કદાચ આપણને સિંહ વધારે ગમે છે.

(૭) આ ૧૧ સિંહોના પ્રાઇડ (pride) ને મેં ૅઇન્‍ડિયા ઇલેવનૅ નામ આપેલ છે. ઘણા સમય સુધી આ પ્રાઇડની ફોટોગ્રાફી કરેલ.

(૮) ‘સ્‍માઈલ પ્‍લીઝ' ટાઈટલ આપેલ આ તસ્‍વીર ઘણી જ યાદગાર છે. કુદરતી રીતે જ તેમાં સિંહણની આંખોમાં એક માતાનું વાત્‍સલ્‍ય અને હોઠ ઉપર મોનાલીસા જેવું સ્‍મિત દેખાય છે! બચ્‍ચું પણ આખી દુનિયાની પરવા કર્યા વગર પીઢ પર કેવું સુઈ ગયું છે!

આ તસ્‍વીરને વાઇલ્‍ડ લાઇફના કેટલાક અનુભવી અને એક્‍સપર્ટસ દ્વારા સૌથી ભાવવાહી (expressive) વાઇલ્‍ડ લાઇફ તસ્‍વીર તરીકે વખાણવામાં આવેલ છે. (૪.૧૧)

ફોટો સૌજન્‍ય :-

ભૂષણ પંડ્‍યા

વાઈલ્‍ડ લાઈફ

ફોટોગ્રાફર

મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

(1:28 pm IST)