Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પાલનપુરમાં આવેલ જ્યોર્થ ફિક્થ ક્લ્બ નજીક રહેતા પરિવારોના મકાનો જેસીબીથી તોડી બે શખ્સો પર હુમલો થતા સાતથી આંઠ વિરુદ્ધ ગુનો દાખલ

પાલનપુર: શહેરમાં શનિવારના બપોરના સમયે જમીન વિવાદને લઈ જ્યોર્જ ફિફ્થ ક્લબ નજીક વર્ષોથી રહેતા પરિવારોના મકાનો જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા અને બે વ્યક્તિ પર હોકી તેમજ બેટથી હૂમલો કરવામાં આવ્યો હતો. જે મામલે શહેર પૂર્વ પોલીસ મથકે એક વ્યક્તિના નામજોગ તેમના સાતથી આઠ અન્ય વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાલનપુરમાં જ્યોર્જ ફિફ્થ ક્લબ પાસે આવેલ જગ્યામાં વર્ષોથી વસવાટ કરતા માળી પરિવારોના ભોગવટાની જગ્યાને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે જમીનના હક્ક દાવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જે વચ્ચે શનિવારના બપોરે માળી પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આઠથી નવ વ્યક્તિ હાથમાં હોકી તેમજ બેટ લઈને મકાન માલિકો પર હૂમલો કરવામાં આવ્યો હતો અને ચાર જેસીબીથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ આકસ્મિક હૂમલામાં ભાવેશ પઢીયાર અને રાજુસિંહ કાળુસિંહ રાજપૂત નામના બે વ્યક્તિ ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હૂમલા અંગે મકાન માલિક દિલીપ મગનભાઈ પઢીયારે મકાનોને જેસીબીથી તોડી પાડીને ઘરવખરીને નુકશાન કરનાર પાલનપુરના સાત થી આઠ વ્યક્તિ વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. જોકે સામે પક્ષે પણ જ્યોર્જ ફિફ્થમાં ક્રિકેટની સામગ્રીને તોડફોડ ફોડ કરવા મામલે માળી સમાજના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

(5:49 pm IST)