Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગાંધીનગર:ભાટ ગામમાં પોલીસે મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાળ્યો

ગાંધીનગર:જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા પોલીસ મથી રહી છે ત્યારે ભાટ ગામમાં રાવળ વાસના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડાયો હોવાની બાતમીના પગલે અડાલજ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ર૦૧ બોટલ અને ૩૦ બિયરના ટીન કબ્જે કર્યા હતા. સ્થળ ઉપરથી બુટલેગરને પણ ઝડપી લઈ કુલ ૧.૩ર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂ રાજસ્થાનના બુટલેગરે મોકલ્યો હોવાનું ખુલતાં તેની સામે પણ ગુનો નોંધાયો છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા દારૂના જથ્થાને પકડવા મથી રહી છે ત્યારે અડાલજ પોલીસ મથકના પીએસઆઈ વી.એમ.પરમારની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભાટ ગામે રાવળવાસમાં રહેતા અમૃતભાઈ કેશાભાઈ રાવળના મકાનમાં કુબેરનગરના બુટલેગર જીતુ ઉર્ફે જીતેન્દ્ર ગોપાલદાસ રીજવાણીએ વિદેશી દારૂનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આ મકાનમાંથી જીતેન્દ્ર મળી આવ્યો હતો અને અંદર તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ર૦૧ બોટલ મળી આવી હતી તેમજ બિયરના ૩૦ ટીન પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ દારૂના જથ્થા અંગે પુછપરછ કરતાં રાજસ્થાનના બીચ્છુવાડાના બુટલેગર મહેન્દ્ર મારવાડીએ જથ્થો મોકલી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે પણ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધી ૧.૩ર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 

(5:43 pm IST)