Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગાંધીનગર નજીક પેથાપુરમાં જૂની અદાવતને લઈને બે શખ્સોએ યુવક પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક આવેલા પેથાપુરમાં દીપા માતાના મંદિર નજીક યુવાન ઉપર જુની અદાવતમાં બે શખ્સોએ છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હોવા અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેના પગલે પોલીસે આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી છે. આ ઘટના અગાઉ આરોપીઓ અને યુવાન સાથે જ એક ફેકટરીમાં બેઠા હતા. 

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુરના સ્વપ્નવીલા-૩ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા જયપાલસિંહ જયદેવસિંહ રાણા ગત શુક્રવારની રાત્રે તેમના મિત્ર અજીતસિંહ સાથે બેસવા માટે ગયા હતા. જયાં ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભોપો વાઘેલા અને રાજેશ ઉર્ફે ચીરકુટ નામના શખ્સો પણ હાજર હતા. જયાંથી રાત્રે એક વાગ્યાના સુમારે જયપાલસિંહ તેમના બાઈક ઉપર ઘરે પરત ફરી રહયા હતા તે સમયે દીપામાતાના મંદિર નજીક તેમનું બાઈક સ્લીપ ખાઈ જતાં તેમણે મદદ માટે અજીતસિંહને ફોન કર્યો હતો. જેથી તેઓ તેમની કાર લઈને અહીં આવ્યા હતા અને તેમની સાથે ભુપેન્દ્રસિંહ અને રાજેશ પણ પહોંચ્યા હતા. અજીતસિંહ દ્વારા જયપાલસિંહને કાદવમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો તે પણ કાદવમાં પડયા હતા જેથી આગળ ભુપેન્દ્રસિંહે મારા ભાઈને કેમ પાડયો તેમ કહી બોલાચાલી કરીને કારમાંથી છરી કાઢીને જયપાલસિંહ ઉપર હુમલો કર્યો હતો. તો રાજેશ ઉર્ફે ચીરકુટે ધોકાથી માર માર્યો હતો. જેથી જયપાલસિંહના કારીગર મયુદીન પણ ત્યાં આવી પહોંચ્યો હતો તેને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. 

(5:42 pm IST)