Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પરપ્રાંતથી શ્રમિક આવે તો કાળજી લેજોઃ ઓડીસ્સાના ૬ મજુરોને કોરોના

૧૧૯ પરપ્રાંતીયોના ટેસ્ટ કરાયાઃ ૧૧૩ શ્રમિકો કોરન્ટાઇન

અમદાવાદઃ ઓરિસ્સાથી અમદાવાદ આવેલા ૧૧૯ મજૂરોના અસલાલી સર્કલ પાસે કોરોના ટેસ્ટીંગ માટેની ચેકપોસ્ટમાં કોરોના ટેસ્ટીંગ રેપીડ એન્ટીજન કીટ દ્રારાં ટેસ્ટ કરાતા છ મજૂરોના કોરોના પોઝિટિવ આવેલ છે. આ ૬ મજૂરોને સારવાર માટે બહેરામપુરા વોર્ડની ચેપીરોગ હોસ્પિટલમાં ઊભી કરાયેલી કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જયારે ૧૧૩ મજૂરોનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેમને ગાંધીનગરના પ્રતાપપુરા ગામ ખાતે આવેલી કંપનીના લેબર કવાર્ટસમાં મોકલી આપવામાં આવ્યા છે. તેની જાણ કલેકટરશ્રી   ગાંધીનગર જિલ્લાના આરોગ્ય અધિકારી ઉપરાંત ડેડીકેટેડ ફેટ કોરીડોર કોર્પોરેશન લીમીટેડના સંબંધિત અધિકારી તેમ જ હર હર કન્ટ્રકશન કંપનીના કોન્ટ્રાકટરને કરી દેવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જુદા જુદા રાજયોના અન્ય શહેરોમાંથી આવતાં તમામ વાહનોના ડ્રાઇવર તેમ જ પેસેન્જરોના કોરોના ટેસ્ટીંગની કામગીરી ઘનિષ્ઠ રીતે કરવામાં આવી રહી છે. ૮મી ઓગસ્ટના રોજ પ્રાઇવેટ સંસ્થા હર હર કન્ટ્રકશન દ્રારા ઓરિસ્સાથી ૨ બસોમાં ૧૧૯ જેટલા મજુરોને કામગીરી માટે ગાંધીનગરના પ્રતાપપુરા ગામ ખાતે આવેલી કંપનીના લેબર કવાર્ટસ ખાતે લઇ જઇ રહ્યા હતા. જેઓ ભારત સરકારના રેલવે વિભાગ હેઠળના ડેડીકેટેડ ફેટ કોરીડોર કોર્પોરેશન લીમીટેડ (DFCCIL)ના બાંધકામ સાથે સંકળાયેલ છે. આ ૧૧૯ મજુરોના કોરોના ટેસ્ટીંગ રેપીડ એન્ટીજન કીટ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ મજુરો કન્સ્ટ્રકશનની કામગીરી અર્થે આવેલા હોવાથી ગીચ વસ્તીમાં વસવાટ કરતાં આ મજુરો દ્વારા અનેક   લોકોના કોરોના સંક્રમણ થવાનો ભય રહેલો હતો. આ ચેકીંગના કારણે અન્ય લોકો કોરોના સંક્રમણ થતાં અટકી ગયા છે.

(3:39 pm IST)