Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

બોર્ડર રેન્જ વડા જે.આર. મોથલીયાની પ્રાથમિકતા બોર્ડર સુરક્ષા-લોકજાગૃતી રહેશે

એટીએસ-અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ વડાની જવાબદારી પણ સંભાળી ચૂકયા છે

રાજકોટ, તા., ૧૦: તાજેતરમાં આઇપીએસ કક્ષાએ થયેલા ધરખમ ફેરફારોમાં  સરહદી વિસ્તાર એવા બોર્ડર રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદીની બદલી થતા તેમના સ્થાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ તથા ત્રાસવાદ વિરોધી દળના વડાની ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી ચુકેલા જે.આર.મોથલીયાની બોર્ડર રેન્જ વડા તરીકે પસંદગી થતા તેઓએ નવા હોદાનો ચાર્જ સંભાળી લીધો છે.

પોરબંદર ડીવાયએસપી હોય કે પછી ગોધરા જેવા સંવેદનશીલ વિસ્તારો સહીતની જવાબદારીઓ, આ તમામ જવાબદારીઓ  તેઓએ સારી રીતે નિભાવી છે. યોગાનુયોગ   તત્કાલીન બોર્ડર વડા સુભાષ ત્રિવેદી અને કચ્છ-પશ્ચિમના એસપી સૌરભ તોલંબીયા ટીમ દ્વારા સંખ્યાબંધ હથીયારોનું પગેરૂ મેળવી આરોપી સકંજામાં લેવાયેલ. આ સમગ્ર મામલો રાજયવ્યાપી હોય જે.આર.મોથલીયા પાસે એટીએસનો ચાર્જ હોય તેઓના સુપર વીઝનમાં જ કાર્યવાહી આગળ વધી હતી.

નવા બોર્ડર વડા જે.આર.મોથલીયા સરહદી સુરક્ષા માટેની ખાસ સ્કિમો એટીએસના અનુભવ આધારે કાર્યરત કરવા સાથે સરહદી વિસ્તારના લોકોને જાગૃત કરી સરહદ (બોર્ડર) અને દરીયાઇ પટ્ટી નજીક રહેતા લોકોને વધુ જાગૃત કરી પોલીસ સાથે સંકલન સાધવા માટે તાલીમબધ્ધ કરાનાર છે. લોકોને નજીકના પોલીસ મથકના નંબર આપવા સાથે કોઇ શકમંદ તત્વો કે હિલચાલ નજરે ચઢે તો તુર્ત જ પોલીસને જાણ થઇ શકે તેવી સીસ્ટમને વધુ સક્રિય બનાવવા પર ભાર મુકનાર હોવાનું જણાવ્યું છે.

(12:21 pm IST)