Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મારી બદલી થઇ છે, લાગણીઓની નહિ, તમારી મુશ્કેલી વખતે હું તમારી પડખે રહીશ : સુભાષ ત્રિવેદીના વચનથી લોકોની આંખમાં હર્ષના આંસુ

બોર્ડર રેન્જ વડાની બદલીમાં ખનીજ માફીયાઓ સામેની આકરી કાર્યવાહી નિમિતરૂપ બન્યાની જોરદાર ચર્ચાઓ

રાજકોટ, તા., ૧૦: ફકત ૧૦ માસમાં જ  કચ્છ બોર્ડર (કચ્છ-બનાસકાંઠા અને પાટણ) જીલ્લાઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીનું જડબેસલાક નિર્માણ કરવા સાથે  પોલીસ તંત્રનું મોરલ વધારી અસામાજીક તત્વો ઉપર જબ્બર ધાક જમાવનાર આઇજીપી  સુભાષ ત્રિવેદીની ટુંકા સમયમાં થયેલી બદલી પાછળ અનેકવિધ અનુમાનો અને અટકળોનો સીલસીલો યથાવત રહયો છે.

સમગ્ર રેન્જના સારા લોકો જેની બદલીથી વ્યથિત થયા છે તેવા આ સિનીયર આઇપીએસની બદલીથી અસામાજીક તત્વો, ખનીજ માફીયાઓ માટે દિવાળી જેવો માહોલ સર્જાયાની સાચી-ખોટી ચર્ચાઓ ગુંજી રહી છે.

સુભાષ ત્રિવેદી, તત્કાલીન એસપી સૌરભ તોલંબીયા અને પરીક્ષીતા ગુર્જર ટીમ દ્વારા અસામાજીક તત્વો માથુ  ઉંચકે નહિ તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોલીસ પર ખનીજ માફીયાઓ દ્વારા હુમલાની ઘટના બાદ સુભાષ ત્રિવેદી ટીમે તમામ અસામાજીક તત્વો પોલીસ પર હુમલો કરતા અગાઉ સો વખત વિચાર કરે તેવી જડબેસલાક સ્થિતીનું નિર્માણ કરેલ તે બાબતથી ઘણા નારાજ હતા.

બદલી બાદ વિદાઇ સમયે પોલીસ તંત્ર અને ખાસ કરીને લોકોની લાગણી જોઇ ખુદ  સુભાષ ત્રિવેદી પણ ગળગળા બની ભાવુક થઇ ઉઠયા હતા. તેઓએ બોર્ડર રેન્જના લોકોને ખાત્રી આપી હતી કે મારી બદલી ભલે થઇ, તમારે મારી કોઇ પણ સમયે જરૂરીયાત હશે ત્યારે હું તમારી સાથે રહેવાનું વચન આપુ છું. માત્ર સ્થળ ફર્યુ છે, લાગણીઓ યથાવત હોવાનું જણાવતા લોકોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

(12:20 pm IST)