Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ગુજરાતના ડેનિમ કાપડની બાંગ્લાદેશમાં બોલબાલા : અમદાવાદથી વિશાળ જથ્થા સાથેની માલગાડી રવાના

પહેલા ગુજરાતની ડુંગળી બાંગ્લાદેશ પહોંચ્યા બાદ હવે ડેનિમ કાપડ અને રંગાઇની સામગ્રી મોકલાઇ

ગાંધીનગર તા. ૧૦ : ગુજરાતના ભાવનગર મંડલથી બાંગ્લાદેશ માટે ડુંગળી મોકલવામાં આવ્યા બાદ હવે અમદાવાદથી બાંગ્લાદેશ માટે ડેનિમ કાપડ લઇને પ્રથમ પાર્સલ ટ્રેન રવાના થઇ છે.

અમદાવાદના કાંકરીયા યાર્ડના ગુડસ શેડથી રવાના થયેલ આ ટ્રેનમાં ડેનિમ અને રંગાઇની સામગ્રી લોડ કરવામાં આવી છે. જેમાં બાંગલાદેશ માટેના ૨૦ ડબ્બા અને એક એસએલઆર લગાવવામાં આવેલ છે.

૨૧૧૦ કિલોમીટરનું અંતર કાપનાર આ ટ્રેનના ૧૫ ડબ્બાઓ ડેનિમ કાપડથી અને પ ડબ્બા રંગાઇ માટેની સામગ્રી ભરવામાં આવી છે. અમદાવાદ રેલ મંડલમાં આવુ પહેલીવાર થયુ છે. અમદાવાદનો ડેનિમ કાપડનું હબ માનવામાં આવે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ચાર ઓગષ્ટે ભાવનગર રેલ મંડળે ધોરાજી રેલ્વે સ્ટેશનથી બાંગ્લાદેશ માટે ડુંગળીનો જથ્થો રવાના કર્યો હતો. ત્યારે આ એવી તક ઉભી થઇ છે કે ગુજરાતથી પાર્સલ ટ્રેન બાંગ્લાદેશ તરફ રવાના થઇ રહી છે.

(11:54 am IST)