Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સાવધાન : Telegram પર સસ્તી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવાને નામે 18 લાખની છેતરપિંડી

સસ્તાની લાલચ આપી ફોન પે, ગુગલ પેનાં QR કોડ મારફતે ગ્રાહકોનાં રૂપિયા મેળવી લેતાં

અમદાવાદઃ ઓનલાઈન સસ્તી વસ્તુઓ ખરીદતા પહેલા ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે, અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટેલિગ્રામ પર સૌથી સસ્તી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવાને નામે 3 યુવકોએ 1100 લોકો સાથે 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનાં સૂચનથી તથા સેકટર-1 સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી આર.વી.અસારી તથા  નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-1 ડો. રવિન્દ્ર પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ-ડીવીઝન એમ.એ.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ શોધવા અને અટકાવવા સૂચના આપવામાં આવેલી છે

જેને ધ્યાનમાં રાખતા આધારે સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજાનાં સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ PSI જે.જે.રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પ્રવિણસિંહ તથા પો.કો. મનોજકુમાર ભરતભાઇની સંયુકત બાતમીને આધારે આવી જ એક ઓનલાઇન છેતરપિંડી કરનારી ગેંગને ઝડપી પાડી છે.

અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં પાન પાર્લર પર બેસતાં 3 જેટલાં શખ્સોએ લોકોને ઓનલાઈન છેતરવા માટેની સ્કીમ બનાવી હતી. જેમાં આ યુવાનો દ્વારા ટેલિગ્રામ એપ પર સસ્તાં ભાવે મોબાઈલ, લેપટોપ અને LED ટી.વી જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વેચવાની જાહેરાત મૂકવામાં આવતી હતી.

આ જાહેરાતની એડ પર ક્લિક કરીને જ્યારે લોકો ઓર્ડર આપતા ત્યારે આ શખ્સો દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરી રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દેતા હતાં અને 3 દિવસ પછી તમને વસ્તુની ડિલિવરી મળી જશે તેમ કહેતાં. જો કે બાદમાં 3 દિવસ બાદ લોકોને જ્યારે વસ્તુ ન મળી ત્યારે લોકોને પોતે છેતરાયા હોવાનો અનુભવ થયો. લોકોએ ટેલિગ્રામમાં આપવામાં આવેલી લિંક એટલે કે જાહેરાતમાં આપવામાં આવેલા નંબર પર જ્યારે કોલ કર્યો ત્યારે તે મોબાઇલ નંબર બંધ આવતો હતો. આ ત્રણ ઠગભગતો લોકોનાં રૂપિયા લઈ ગ્રાહકનાં નંબરને બ્લોક કરી દેતાં હતાં.

(9:16 pm IST)