Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

સુરતમાં અગરબત્તીની આડમાં ગાંજાનો વેપાર:332 કિલો ગાંજા સાથે બે શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

ગોડાઉન ભાડે રાખીને ગાંજાનો ધંધો કરતા મૂળ ઉડીસાના બે આરોપીને 99 લાખના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા

 

અમદાવાદ ;સુરતમાં અગરબત્તીની આડમાં ગાંજાના વેપારનો પર્દાફાશ કરાયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 332 કિલો ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા છે

   અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સુરતના પીપોદરા ખાતે દરોડા પાડી 332 કિલો ગાંજા સાથે સુનીલ મલીક અને સુશાંત બિલ્વાલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે  આ બન્ને શખ્સો સુરતમાં અગરબત્તીના ધંધાની આડમાં વર્ષોથી ગાંજાનો વેપાર કરતા હતા બન્ને આરોપીઓ મુળ ઉડીસાના રહેવાસી છે અને ઘણા સમયથી સુરતમાં રહે છે.

 પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ  આરોપીઓ ઉડીસામાં ગાંજાના મોટો વેપારી એવા દિપુ ઉર્ફે વિક્કી પાસેથી આ ગાંજો મંગાવતા હતા અને ગુજરાતમાં રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ડિમાંડ પ્રમાણે સપ્લાય કરતા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચે 7 ઓગષ્ટના રોજ 30 કિલો ગાંજા સાથે અબ્દુલઈમરાન શેખ અને નોમાન શેખ નામના આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ બન્ને આરોપીઓ સુરતના પિપોદરા ખાતેથી સુનીલ અને સુશાંત પાસેથી આ ગાંજો લાવ્યા હતા, જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ સુરત પહોંચી તપાસ કરી હતી અને તપાસમાં 99 લાખનો ગાંજો મળી આવ્યો હતો

  ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી.ગોહીલનુ કહેવુ છે કે બન્ને આરોપીની તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, આરોપી દિપુ ઉર્ફે વિક્કી જે ઉડીસાનો રહેવાસી છે અને જે અલગ-અલગ મોબાઈલ નંબર ઉપયોગ કરે છે અને તે ઉડીસાથી આ ગાંજો અલગ-અલગ વાહનોમાં સપ્લાય કરે છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનુ કહેવુ છે કે, આરોપી સુનીલ અને સુંશાત અગરબત્તીની આડમાં એક ગોડાઉન ભાડે રાખી આ ગાંજાનો ધંધો કરતા હતા

(11:10 pm IST)