Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

બાકરોલમાં એક શખ્સ 1.9 કિલો અફીણ સાથે ઝડપાયો

આણંદ : નજીક આવેલા બાકરોલ ગામે આવેલી ગોળ કોલોની ખાતે રહેતા એક શખ્સને ૧.૯૨૦ કિલોગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડીને તેના વિરૂદ્ઘ નારકોટીંક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબર્સ્ટસીસ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ગઈકાલે બપોરના સુમારે વિદ્યાનગર પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, બાકરોલ ગામની ગોળ કોલોની ભાઈકાકાનગર મસ્જીદ પાસેના મકાન નંબર ૨૪માં રહેતો સુલેમાનભાઈ રસુલભાઈ વ્હોરા ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યોનું વેચાણ કરે છે જેના આધારે પોલીસે છાપો મારતાં સુલેમાન વ્હોરા ઝડપાઈ જવા પામ્યો હતો. તેના ઘરની તલાસી લેતાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે એફએસએલની ટીમને જાણ કરતાં તેઓ નાર્કો કીટ સાથે આવી પહોંચ્યા હતા અને પકડાયેલા જથ્થાની તપાસ કરતાં તે અફીણ જ હોવાનું ખુલવા પામ્યું હતુ. જેનું વજન કરતાં તે એક કીલો અને ૯૨૦ ગ્રામ જેટલું થવા પામ્યું હતુ. તેની કિંમત ૨૮૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે તેની અંગજડતી કરતા રોકડા ૬૭૦૦ તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે સાથે કુલ ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલો સુલેમાનભાઈ વ્હોરા અફિણનો મોટાપાયે જથ્થો ખરીદી લાવીને બાદમાં તેની પડીકીઓ બનાવીને ૨૦૦ થી ૫૦૦ રૂપિયામાં વેચતો હતો.

(5:48 pm IST)