Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

બગોદરા પાસે પાણી ભરાતા રસ્તો બ્લોક : રાજકોટથી અમદાવાદ જતી એસટી બસો અટવાઇ : ટ્રાફીક જામ

રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ હાઇવે ચાલુ : પણ ટ્રાફીક ન હોય બસો ડેપોમાં મૂકી દેવાઇ : કોઇ હાઇવે કે ગામમાં બસો ફસાઇ નથી : વડોદરા-ડભોઇ-રાજપીપળા રસ્તો પણ બ્લોક : ચારેબાજુ પાણી ભરાયા..

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા ર૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજકોટ એસટી તંત્રમાં ટ્રાફીકમાં ટાઢોડુ છવાઇ ગયું છે.

દરમિયાન આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ હાઇવે હાલ ચાલુ છે, હાઇવે ઉપર કે ગામડાઓમાં કોઇ બસો ફસાઇ નથી, પરંતુ ભારે વરસાદ હોય ટ્રાફીક ન હોય, બસો કન્ટ્રોલમાં કરી લેવાઇ છે. ડેપોમાં મૂકી દેવાઇ છે. ખાલી બસો દોડાવાનો કોઇ અર્થ નથી.

તેમણે ઉમેર્યું હતું કે ભારે વરસાદને કારણે બગોદરા પાસે પાણી ભરાતા, ટ્રાફીક જામ થઇ ગયો છે, રાજકોટથી અમદાવાદ જતી એસટી બસો અટવાઇ છે.

હાલ અમદાવાદ-રાજકોટ વચ્ચે બસો કલાકો મોડી દોડી રહી છે. આવી જ રીતે વડોદરા-ડભોઇ-રાજપીપળા વચ્ચેનો રસ્તો પણ ભારે પાણી ભરાતા બ્લોક થઇ ગયો છે, બાકી વડોદરા-સુરત સુધીનો રાજકોટથી એસટી બસ વ્યવહાર ચાલુ છે.

(1:29 pm IST)