Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ઉત્તર ગુજરાત ઉપર મેઘ-મ્હેર : ૧ થી ૬ ઈંચ

ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે તેવા : ૧૨ કલાકમાં ૨૯ તાલુકામાં ધોધમાર પડ્યો : મહેસાણા - સતલાસણ - કડીમાં ૨ થી ૩ ઈંચ : સરેરાશ ૨૮.૮૪ ઇંચની સામે અત્યાર સુધી ૮.૬૪ ઇંચ પડ્યો : હજુ ૨૦.૨ ઇંચની ઘટ્ટ : ખેરાલુ-વિજાપુરમાં પણ ૧-૧ ઇંચ વરસાદ પડ્યો : તમામ ૧૦ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ થતાં પાકને નવું જીવન : ખેડૂતોમાં આનંદ

મહેસાણાઃ ચાતક પક્ષીની જેમ રાહ જોઇ રહેલા ઉત્ત્।ર ગુજરાત ઉપર શુક્રવારે મેઘમહેર વરસી હતી. જેમાં ઉ.ગુ.ના ૪૬ તાલુકામાં શુક્રવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૧દ્મક ૬ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ પાટણના હારિજમાં ૬ ઇંચ, સરસ્વતીમાં ૫ ઇંચ, પાટણ અને સમીમાં ૪-૪ ઇંચ તેમજ અરવલ્લીના ધનસુરામાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં નીચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ૧૧ તાલુકામાં બે ઇંચ અને ૧૧ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. બાકીના ૧૭ તાલુકામાં ધીમીધારે વરસાદથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી. તો સાર્વત્રિક વરસાદથી રાહ જોઇને બેઠેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ વરસાદથી વાવેતર કરેલા એરંડા, બાજરી, જુવાર, કઠોળ વગેરે પાકને જીવતદાન મળ્યું છે. દરમિયાન, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ વરસાદ યથાવત રહેશે.

તમામ તાલુકામાં સારો વરસાદ પડ્યો

મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવાર સાંજે ૬ વાગે પૂરા થતા ૨૪ કલાકમાં તમામ ૧૦ તાલુકામાં સાર્વત્રિક મેદ્યમહેર થઇ હતી. જેમાં સૌથી વધુ સતલાસણામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો. મહેસાણા, ખેરાલુ અને વિજાપુરમાં એક-એક ઇંચ પડ્યો હતો. જયારે અન્ય તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દરમિયાન, શુક્રવારે સાંજે ૬થી ૧૦ ઈંચ મહેસાણામાં બે ઇંચ, જયારે કડી શહેરમાં રાત્રે ૮થી૧૦ ઈંચ બે ઇંચ પાણી પડ્યું હતું.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતાં ઉત્ત્।ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વત્ત્।ા ઓછા પ્રમાણમાં વરસાદ થયો હતો. સતલાસણામાં ગુરુવારે સાંજે ૬ થી શુક્રવારે સવારે ૬ સુધી ૨૩ મીમી બાદ શુક્રવારે સવારથી સાંજ સુધીમાં વધુ ૫૨ મીમી વરસાદ નોંધાયો હતો. વિજાપુરમાં રાત્રે ૧૭ મીમી બાદ શુક્રવારે વધુ ૧૨ મીમી, ખેરાલુમાં રાત્રે ૧૦ મીમી પછી શુક્રવારે વધુ ૧૫ મીમી સાથે કુલ ૨૫ મીમી નોંધાયો હતો. જયારે મહેસાણામાં રાત્રે ૮ મીમી બાદ શુક્રવારે ૬ વાગ્યા સુધીમાં વધુ ૧૩ મીમી સાથે ૨૧ મીમી વરસાદ હતો. ત્યારે બાદ રાત્રે ૬થી ૮ઈંચ વધુ એક ઇચ વરસતાં નીચાણના રસ્તાઓમાં પાણી ભરાયા હતા.

ભાભરમાં ૩, દિયોદરમાં ૨.૫, દાંતીવાડા, ૨ ઇંચ

પાલનપુરઃ જિલ્લામાં ગુરુવાર રાત્રીથી વરસાદની ધીમીધારે શરૂઆત થઇ હતી. જેમાં ભાભરમાં ૩ ઇંચ, દાંતીવાડા અને દિયોદરમાં અઢી ઇંચ વરસાદ ખાબકયો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.લાખણી અને ધાનેરામાં બે પશુઓના મોત નીપજયા હતા.

પાલનપુરમાં ધીમીધારે વરસાદ

પાલનપુરમાં ગુરુવાર રાત્રીથી ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી. જેમાં શુક્રવાર સાંજ સુધીમાં ૩૭ મીમી વરસાદ પડ્યો હતો. આમ સામાન્ય વરસાદમાં પણ પાલનપુરના કીર્તિસ્તંભ, પાલનપુર સિવિલ અને મફતપુરા સહિતની અન્ય નિચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આમ સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાતાં વાહનચાલકોમાં રોષ ફેલાયો હતો.

ડીસામાં ૨૪ કલાકમાં સવા બે ઇંચ વરસાદ

ડીસામાં ગુરુવારે મોડી રાત્રે વરસાદ શરૂ થતાં ૨૦ કલાકમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો. ગઢ પંથકના ગામોમાં પણ શુક્રવારે વહેલી સવારથી વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જોકે ઝરમર વરસી રહેલ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.દાંતીવાડા તાલુકામાં ગુરુવારની મધરાત્રિથી ધીમી ધારે વરસાદ ચાલુ થતા ૫૫ મીમી વરસાદ નોંધાયો હતો. ભાભર પંથકમાં ગુરુવાર મોડીરાતથી વરસાદ શરૂ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા ચોમાસું પાકને જીવતદાન મળ્યું છે. વડગામાં પંથકમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

થરાદમાં શુક્રવારે પણ આખો દિવસ વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.સરહદી સુઇગામ તાલુકામાં સાંજ સુધી એક ઇંચ વરસ્યો છે.કાંકરેજ તાલુકામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પોલીસ સ્ટેશન સામે પાણી ભરાયા હતા. જયારે હાઈવે ઓથોરિટીના સર્વિસ રોડ પર રૂની રોડ નજીકના ગટરોમાં પાણીનો નિકાલ ના થતાં પાણી ભરાયા હતા અને પાણીમાં ભૂવો પડતા અહીંથી પસાર થતાં બાઇક ચાલકો ભૂવામાં પટકાયા હતા. લાખણીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યાં આગથળા ગામમાં ખેતરમાં ઉભો વિજ થાંભલો નમી જતા વિજ વાયર તૂટ્યો હતો. જેને લઇ ગાયને કરંટ લાગતાં ગાયનું મોત નિપજયું હતું. દિયોદર પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

હારિજ ૬, સરસ્વતી ૫, પાટણ- સમીમાં ૪-૪ ઇંચ

પાટણઃ જિલ્લામાં વહેલી સવારથી જ લાંબા સમયથી હાથતાળી આપી રહેલ મેદ્યરાજા આખરે આગમન કર્યું હતું અને ધીમીધારે શરૂ થયેલ વરસાદ ધોધમાર બનતા પાટણ સહિત તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી હતી અને સવારે ૮ વાગ્યા બાદ બપોર સુધીમાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં ૫ હારિજમાં ૬ અને પાટણ-સમીમાં ૪-૪ ઇંચ સહિત અન્ય તાલુકાઓમાં એક થી બે ઇંચ વરસાદ વરસતા જગતના તાતમાં હરેખની હેલી જોવા મળી હતી .

પાટણ શહેરમાં ૪ ઇંચ વરસાદ

પાટણ શહેરમાં વરસાદ લાંબો વિરામ લેતા શહેરીજનો સહીત ખેડૂતો દ્વારા મેદ્યરાજાને મહેરબાન થવા પ્રાર્થના કરી રહ્યા હતા શુક્રવારના રોજ વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયા બાદ ૮ વાગ્યા બાદ મુશળધાર વરસાદ શરૂ થવા પામ્યો હતો અને ૧૨ વાગ્યા સુધી મનમુકી મેદ્યરાજા અનરાધાર વરસતા શહેરમાં સવર્ત્ર પાણી જ પાણી છલકાયા હતા. સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં પાટણ શહેરમાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો જેને લઇ શહેરના પ્રથમ રેલવે ગરનાળામાં કમર સમું અને આનંદ સરોવર બહાર ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાજમહેલ રોડ પર સિદ્ઘરાજ નગર સોસાયટી, વી કે ભૂલા હાઈસ્કૂલ પાછળ વલીભાઈના ડેલા, જળચોક, નવા બસ્ટેશન,પદ્મનાભ વિસ્તારમાં આવેલ રામનગર સહિત નીચાણવાળી સોસાયટીઓમાં એક ફુટ જેટલા પાણી ભરાયા હતા.

કર્મભૂમિ સોસાયટીમાં પાણી દ્યરના ઓટલા સુધી પહોંચ્યા હતા. મુખ્ય બજારમાં પ્રવેશવા માટેના બે અન્ડરપાસ સહીત રેલવે ગરનાળા પાણીથી બંધ થઇ જતા ટ્રાફીક અવરોધાયો હતો અને વાહન ચાલકોને લાંબા અંતરથી આવવા-જવાની ફરજ પડી હતી. પાણી ભરાયેલ વિસ્તારોની ધારાસભ્ય કિરીટ પટેલે મુલાકાત લઇ સમસ્યા જાણી પાલિકાને પાણી નિકાલ કરવા જાણ કરી હતી.

ધનસુરા સવા ચાર, વિજયનગર ૪, બાયડમાં ૩ ઇંચ વરસાદ

હિંમતનગર-મોડાસાઃ સાબરકાંઠા જિલ્લામાં નિયમિત અંતરાલે ઝાપટા અને ઝરમર સ્વરૂપે આખી રાત વરસાદ વરસતો રહ્યા બાદ દિવસે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વિજયનગર તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ અને ખેડબ્રહ્મા તાલુકામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. સરેરાશ બે ઇંચ વરસાદને પગલે મોસમનો ૫૪.૩૨ ટકા વરસાદ થયો હતો. અરવલ્લી જિલ્લામાં ગુરૂવારની રાત્રિ દરમિયાન ૧૮૯ એમ.એમ. વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતુ. શુક્રવારે વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ પડવાની સાથે સાંજ સુધીમાં ૩૫૫ એમ.એમ. એટલેક ૧૨ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર વરસાદી માહોલ રહેતા નદી-નાળા અને ચેકડેમોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. ગુરુવાર રાત્રિ દરમિયાન વિજયનગરમાં ૪ ઇંચ વરસાદ થયા બાદ શુક્રવારે દિવસે પણ પોણો ઇંચ વરસાદ થયો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં ૨૪ કલાક દરમિયાન ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે ૯ મી ઓગસ્ટ સુધીમાં માત્ર ૩૮.૫૬ ટકા વરસાદ થયો હતો.

ભુવામાં ઉંટ ફસાયો : રેસ્કયુ કરી કાઢ્યો

પાટણઃ શહેરના પીંડારીયા વાડા પાસે ભૂવામાં એક ઉંટ ફસાયો હતો, જેને રેસ્કયુ કરી બહાર કઢાયો હતો. બગવાડા દરવાજે રાખડીના ૫ સ્ટોલના મંડપ તૂટી પડ્યા.

ગાય - આખલાના મોત

બનાસકાંઠાઃ લાખણી અને ધાનેરામાં વીજ કરંટથી ગાય અને આખલાના મોત થયા હતા. થરામાં નેશનલ હાઇવે ઉપર પાણી ભરાતાં વાહન ચાલકો ફસાયા.

બે મકાનોની દિવાલ તૂટી

સાબરકાંઠાઃ મોડાસાના દોલપુરમાં અને ઝાલોદરમાં બે મકાનોની દિવાલો ધરાશાઇ થઇ છે. જો કે કોઇ જાનહાની ન થતાં પરિજનોએ રાહતનો દમ લીધો હતો.

અરવલ્લીઃ વાત્રક જળાશયમાં ૨૦૦૦ કયુસેક, મેશ્વો ડેમમાં ૯૦૦, માજુમમાં ૨૦૦, વૈડીમાં ૩૦૦ અને લાક જળાશયમાં ૧૫૦ કયુસેક પાણીની આવક થઇ હતી.

(11:28 am IST)