Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

નર્મદા ડેમ ઓવરફ્લો : ૧૦૮ જળાશયો, નદીઓ-ડેમ ભરાશે

ડેમના પાણી દ્વારા રોજ ૭ કરોડની વીજનું ઉત્પાદન : ગુજરાત રાજ્યને પુરતી માત્રામાં પાણી અને વીજળી મળશે

અમદાવાદ, તા.૯ : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપુર પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમમાંથી એક તબક્કે ૮ લાખ ક્યૂસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું અને અત્યારે પણ ૩ લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને પગલે સમગ્ર ગુજરાતને વીજળી અને પાણીથી ફાયદો થશે. હાલ કેવડિયા ખાતે રિવર બેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇનો ચાલુ કરવામાં આવ્યા છે. જેને પગલે રોજની ૭ કરોડની વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૧૩૧ ફૂટ સુધી પાણી ભરાઇ ગયું છે. જેને પગલે નર્મદા ડેમમાંથી કેનાલ સાથે લિંક કરાયેલા રાજ્યના ૧૦૮ જળાશયો ભરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના ધોરીધજા ડેમ, સાબરમતી સહિતની નદીઓ અને ડેમમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાં ૬ લાખ ક્યુસેક સુધીની પાણીની આવકને પગલે નર્મદાની મુખ્ય કેનાલમાં ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાની માત્રામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેને પગલે રાજ્યના જે વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યાં સિંચાઇને પુરતી માત્રામાં પાણી મળી રહેશે. નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થતાં અને ઇતિહાસમાં સૌપ્રથમવાર ડેમના એકસાથે ૨૪ દરવાજા એકસાથે ખોલવામાં આવતાં રાજયના સમગ્ર ખેડૂતઆલમ સહિત સામાન્ય પ્રજાજનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

(8:27 pm IST)