Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ખરીફ ૨૦૧૮ માટે આયોજન થયું : એક્શન પ્લાન પણ તૈયાર

કપાસ ઉત્પાદનમાં વિપરિત પરિબળો કાબુમાં: વિવિધ અસરકારક પગલાઓના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળના નિયંત્રણમાં ઘટાડો થયો : અહેવાલ

અમદાવાદ,તા.૧૦: રાજ્યનું કૃષિ અર્થતંત્ર કપાસ પાક પર મહદ અંશે નિર્ભર છે. બી.ટી. કપાસની જાતો આવવાથી જીવાત નિયંત્રણ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં તેમજ કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે લોક ભાગીદારી દ્વારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પગલાં લેતા છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળના નિયંત્રણમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બન્યું છે, એમ ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે. રાજ્યમાં કપાસ ઉત્પાદન થતાં ખૂબ જ વિપરીત પરિબળોને નિયંત્રીત કરવામાં કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, કેવીકે, બિયારણ ઉત્પાદન કંપનીઓ, ઇનપુટ ડીલર્સ, જીનર્સ અને સમાચાર માધ્યમોની જન ભાગીદારી થકી ગુજરાતને આ અપ્રતિમ સફળતા મળી છે. ચાલુ વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઇયળ નિયંત્રણ માટે ખરીફ-૨૦૧૮માં આગોતરા આયોજન માટે એકશનપ્લાન તૈયાર કરાયો છે. જે માટ ખેડૂતોએ આટલું કરવું આવશ્યક છે જેમાં વિસ્તાર મુજબ એક સાથે વાવેતર કરવું, સર્વે માટે ગુલાબી ઇયળના નર ફુદાને આકર્ષતા ૫ ફેરામોન ટ્રેપ/હેકટર ગોઠવવા, સર્વે આધારિત સામૂહિક ધોરણે ૪૦ ફેરામોન ટ્રેપ/હેકટર ગોઠવવા, દર અડવાડિયે જીવાતનો સર્વે કરવો, દવાનો છંટકાવ કરતાં પહેલા કપાસના છોડ પરથી વિકૃત થઇ ગયેલ ફુલ, ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ઉપદ્રવને ધ્યાનમાં રાખી ભલામણ કરેલ કીટકનાશકોનો છંટકાવ કરવો, પિયત-ખાતરનું નિયમન કરવું. છેલ્લી વીણી બાદ ઘેટા-બકરાં-ઢોરને ચરાવવા, કપાસ ભરેલા ગોડાઉનમાં ફેરામેન ટ્રેપ ગોઠવવા. આ અંગે વધુ જાણકારીની જરૃર હોય તો સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ઘનિષ્ઠ પગલાં લેવાયા છે. જેના ભાગરૃપે અંદાજે ૨,૦૪,૭૦૫ ખેડૂતોને ખેડૂત તાલીમમાં સાંકળી લઇ ૧૦,૯૫,૧૮૧ ખેડૂતોને ફરોમેન ટ્રેપ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવમાં ૧,૫૮,૮૦૨ જેટલા ખેડૂતોને માર્ગદર્શન, બીજ ઉત્પાદક તથા ખેતી વિભાગ દ્વારા ૫૦૦૦ ખેતી ઇનપુટ વિક્રેતાઓને તાલીમ આપી હતી જેના પરિણામે ૧ લાખ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

(9:48 pm IST)