Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હિટ એન્ડ રનના બે બનાવમાં બે લોકોના થયેલા કરૂણ મોત

નરોડા-સિવિલ વિસ્તારમાં હિટ એન્ડ રન : નરોડા વિસ્તારમાં કારની હડફેટે મહિલાનું મોત થયું જયારે સિવિલની નજીક એસટી ડ્રાઇવરે અજાણી વ્યકિતને ઉડાવી

અમદાવાદ,તા.૧૦  : શહેરમાં ગઇકાલે નરોડા અને સિવિલ હોસ્પિટલ ખાતે હીટ એન્ડ રનના બે અલગ-અલગ બનાવોમાં એક મહિલા સહિત બે રાહદારીઓના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, અકસ્માતમાં નિર્દોષના મોતને લઇ લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નરોડામાં બેફામ આવી રહેલી કાર ચાલકે એક મહિલાને હડફેટમાં લીધી હતી જ્યાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે સિવિલ હોસ્પિટલ પાસે પુરઝડપે આવી રહેલી એસ.ટી બસના ચાલકે એક અજાણી વ્યકિતને અડફેટમાં લેતાં તેનું પણ ઘટના સ્થળે મોત થયું છે. નરોડામાં આવેલ ગજાનંદ વિલા સોસાયટીમાં રહેતા રાજેશભાઇ નાગરે નરોડા પોલીસ સ્ટેશનમાં એક કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી છે. રાજેશભાઇના ઘરે કામ કરતાં ગીતાબહેન સુરેશભાઇ દંતાણી (રહે. શાહીબાગ) નરોડા દહેગામ રોડ પરથી જતાં હતાં તે સમયે એક કાર ચાલકે તેમને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. રાજેશભાઇને આ મામલે જાણ થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા ગીતાબહેન કોઇ કામથી નરોડા દહેગામ રોડ પર જતાં હતાં ત્યારે વેગનઆર કારનો ચાલક પુરઝડપે આવતો હતો અને તેને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગીતાબહેનને અડફેટમાં લીધાં હતાં. ગીતાબહેન હવામાં ફંગોળાઇને જમીન પર પટકતાં તેમનું મોત થયું હતું જ્યારે વેગનઆર કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. જયારે ગઇકાલે એક અજાણી વ્યકિતને સિવિલ હોસ્પિટલ પાસે એસ.ટી.બસના ચાલકે અડફેટમાં લેતાં તેનું મોત થયું છે. એસ.ટી બસનો ચાલક પુરઝડપે આવી રહ્યો હતો ત્યારે અજાણી વ્યકિતને અડફેટમાં લીધી હતી. શાહીબાગ પોલીસે એસ.ટી.બસના ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બંને બનાવોને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા સાથે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(8:16 pm IST)