Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વડોદરા નજીક વાંદરાની ટોળકીએ ગ્રામજનો પર હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો

વડોદરા: શહેર નજીક કોયલી ગામમાં આવી ચઢેલી વાંદરાઓની ટોળકી પૈકીના એક વાંદરાએ ગ્રામજનો પર હુમલો કરી બે દિવસમાં બે ગ્રામજનોને બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગેની જાણ થતા વનવિભાગે આજે ગામમાં પાંજરૂ મુકીને હુમલાખોર વાંદરાને ઝડપી પાડયો હતો. કોયલી ગામમાં છેલ્લા અઠવાડિયાથી વાંદરાઓની ટોળકી આવી ચઢી છે. દિવસ દરમિયાન તક મળતા જ વાંદરાઓ ઘર અને વાડામાં ઘુસીને  શાકભાજી અને ખાધપદાર્થો ખેંચીને લઈ જતા હોઈ મહિલા અને બાળકોમાં ભારે ફફટાડ ફેલાયો હતો. આ ટોળકીમાં એક નર વાનર હિંસક બનતા તેણે  ગ્રામજનો પર હુમલા કરવાનું શરૂ કર્યું હતું. કોયલીની ગંગાસાગર સોસાયટીમાં રહેતા ભાઈલાલભાઈ ચૈાહાણ ગઈ કાલે તેમની સોસાયટીમાંથી ચાલતા પસાર થતા હતા તે સમયે તેમની પર વાંદરાએ હુમલો કર્યો હતો તેમની જાંઘમાં બચકુ ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત કોયલીના ઝવેરીપુરામાં રહેતા વિનુભાઈ ચૈાહાણ વહેલીસવારે શાકમાર્કેટમાં ટેમ્પો અને રાત્રે ચાઈનીઝ ફુડની લારી ચલાવે છે. આજે વહેલી સવારે માર્કેટમાં ગયા હતા અને બપોરે ઘરે પાછા ફર્યા હતા. બપોરે તે દરવાજો આડો કરીને મકાનમાં સુતા હતા તે સમયે ગઈ કાલે ભાઈલાલભાઈ પર હુમલો કરનાર વાંદરાએ ધક્કો મારી તેમના મકાનનો દરવાજો ખોલી નાખ્યો હતો અને વિનુભાઈ પર અચાનક હુમલો કરી તેમના પગના પંજામાં બચકુ ભરી ઈજા પહોંચાડી હતી.
 

(5:05 pm IST)