Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

બોરસદ-ભાદરણ નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રકે પિતા-પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત: પિતાની હાલત ગંભીર

બોરસદ:બોરસદ-ભાદરણ રોડ ઉપર આવેલા લાકડાના પીઠા નજીક પેશાબ કરીને પરત ફરેલા પિતા-પુત્રને પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા પુત્રનું સારવાર દરમ્યાન કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોત થયું હતુ જ્યારે પિતાને દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરણના પ્રતાપપુરા ખાતે રહેતા મનેરભાઈ આજમભાઈ મલેક આમલેટની લારી ચલાવીને ગુજરાન ચલાવે છે. ગત ૭મી તારીખના રોજ ભાઈનું બાઈક નંબર જીજે-૨૩, બીએમ-૭૬૧૫ ઉપર ૧૨ વર્ષીય પુત્ર અકીબને બેસાડીને બોરસદ ખાતે ધંધાનો સામાન લેવા માટે ગયા હતા. દરમ્યાન સાડા પાંચેક વાગ્યાના સુમારે પરત ફરતી વખતે પેશાબ લાગતાં તેઓએ બોરસદ-ભાદરણ રોડ ઉપર આવેલા લાકડાના પીઠા પાસે બાઈક ઉભુ રાખ્યું હતુ અને પેશાબ કરીને પરત ફરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૧૨, એટી-૬૦૮૪એ ટક્કર મારતાં બન્નેને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતાં ત્યા આજે સવારના સુમારે અકીબનું મોત થયું હતુ. 
બોરસદ પોલીસે ટક્કર મારીન ેફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:02 pm IST)